(એજન્સી) મુંબઇ, તા.૫
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓની તારીખો ભલે અત્યારે નક્કી કરવામાં આવી નથી પરંતુ રાજ્યમાં રાજકીય હિલચાલ વધી ગઇ છે. બધા જ રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંંટણીઓની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. દરમિયાન, સીટોની વહેંચણી અંગે સહયોગી પક્ષોમાં પરસ્પર ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)ના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ ભાજપ અને શિવસેના ગઠબંધન પાસે પોતાની પાર્ટી માટે ૧૮ સીટની માગણી કરી છે. સાથે જ ભાજપના ચૂંટણી પ્રતીક પર ચૂંટણી નહીં લડવાની વાત કહી છે. આરપીઆઇના નેતા રામદાસ અઠાવલેએ કહ્યું કે ભાજપ અને શિવસેનાએ પોતાના સહયોગી પક્ષોને ૧૮ સીટ આપવાનો નિર્ણય કર્યો છે. આરપીઆઇએ ૧૮માંથી ૧૦ સીટ તેને આપવાની માગણી કરી છે. અમે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રતીક પર ચૂંટણી લડીશું. અમે ભાજપના ચૂંટણી પ્રતીક પર ચૂંટણી લડવા માગતા નથી. જ્યારે શિવસેનાએ છેલ્લા એક મહિનામાં સીટ વહેંચણી પર બેઠક માટે ત્રણ વાર અનૌપચારિક પ્રસ્તાવ આપ્યો અને તેનો ભાજપે કોઇ જવાબ ન આપ્યો. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીની યોજના શિવસેનાને ૨૮૮માંથી મહત્તમ ૧૦૦ સીટ આપવાની છે. શિવસેના ૧૦૦થી વધુ બેઠકની માગણી કરશે એ નક્કી છે.