(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના વડા મોહન ભાગવતની ટિપ્પણી સામે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. ભાગવતે કહ્યું હતું કે ભારતના ૧૩૦ કરોડ લોકો એક હિન્દુ સમાજની જેમ છે. રામદાસ અઠાવલેએ કહ્યું કે સૌથી પહેલા ભારતમાં બધા બૌદ્ધો હતા અને પછી હિન્દુવાદ આવતા દેશ હિન્દુરાષ્ટ્ર બન્યો હતો. અઠાવલેએ કહ્યું કે એ કહેવું યોગ્ય નથી કે બધા હિન્દુઓ છે એમણે કહ્યું કે મોહન ભાગવતના આ કથન સાથે હું સંમત નથી જો એમણે કહ્યું હોત કે બધા અમારા પોતાના છે તો એ વધુ સારૂ થયું હોત. સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનું માનવું છે કે ભારતની સમગ્ર ૧૩૦ કરોડની વસ્તી એક હિન્દુ સોસાયટી છે. પછી એમની સંસ્કૃતિ અને ધર્મ ભલે કોઈ પણ હોય. ભાગવતે ખુલાસો કરતા કહ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના જે લોકો રાષ્ટ્રવાદની ભાવના ધરાવે છે અને દેશની સંસ્કૃતિ અને વારસાનો આદર કરે છે એ બધા હિન્દુઓ છે. ભાગવતના આ પ્રકારના નિવેદનની એઆઈએમઆઈએમના વડા ઓવૈસીએ પણ ટીકા કરી હતી. એમણે કહ્યું બંધારણ મુજબ ભારતનો કોઈ ધર્મ હોઈ નહીં શકે, આપણા બંધારણના અનુચ્છેદ ર૬, ર૯ અને ૩૦ હેઠળ ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવેલ છે. સંઘની ઈચ્છા છે કે ભારતમાં ફકત એક જ ધર્મ હોવો જોઈએ પણ જયાં સુધી આંબેડકરનું બંધારણ અસ્તિત્વમાં છે ત્યાં સુધી એ શકય નથી.