(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત શહેરમાં વધુ એક ક્રિપ્ટો કરન્સી રીગલના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સીઆઈડી ક્રાઈમમાં બિટકોઈન સ્કેમમાં માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજી, તેની દીકરી સહિત ચાર સામે ફ્રોડની ફરિયાદ નોંધવવામાં આવી છે. જેમાં એકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લખનિય છે કે, બિટકોઈન કૌભાંડ બાદ દેકાડો, ટોરસ બાદ રીગલ કોઈન સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૭માં અડાજણ ખાતે ક્રિપ્ટો કરન્સી રીગલ કોઈન નામની વેબસાઈટ ખોલી વિશાલ રતિલાલ સાવલિયા સહિતના સાહેદોને રીગલ કોઈનમાં લાખોનું રોકાણ કરાવ્યું હતું. દિવ્યેશ આણી ટોળકીએ રીગલ કોઈનનું લંડન ખાતે રજિસ્ટ્રેશન હોવાની વાત જણાવી રોકાણ કરાવ્યું હતું. જ્યાં ૯૯ દિવસમાં મૂળ મુદ્દત પરત કરવાની સાથે રોબોટિક ટ્રેડીંગ પ્રોફિટ આપવાની લોભામણી લાલચો આપી હતી. આ સિવાય દર ૧૧ દિવસે ૧ ટકાથી લઈ ૧૬ ટકા સુધીનું ઊંચું વ્યાજ અને વળતર આપવાની સ્કીમો બતાવી હતી. આ લોભામણી લાલચમાં વિશાલ રતિલાલ સાવલિયા, તેમનો મિત્ર રાજેશ માણીયા સહિતના આવી ગયા હતા. વિશાલ કિરીટ પરમાર અને રાજેશે કુલ રૂ.૪૫.૫૦ લાખ રોકડ બીટકોઈનમાં રોકાણ કરવા માટે દિવ્યેશ દરજીની દિકરી દીમકી તથા તેનો સાગરિત રામદયાલને આપી દીધા હતા. મેહુલ મચીગર મારફતે આ તમામ ડીલ થઈ હતી. ત્યારબાદ દિમકીએ બંને જણાને મોબાઈલમાં રીગલ કોઈન નામની વેબસાઈટ મોબાઈલ ડાઉનલોઅડ કરી આપી હતી. તેમનું રજિસ્ટ્રેશન પણ કરાવી આપ્યું હતું. આમ બિટકોઈનમાં રોકાણ કર્યા બાદ અચાનક જ કોઈપણ પ્રકારનું વિથડ્રોલ થયા વગર આ કંપનીની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી. પોતે આનો શિકાર બન્યા હોવાનું ભાન થતા વિશાલે સીઆઇડી ક્રાઈમમાં બિટકોઈન કેસમાં માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજી, દિવ્યેશની પુત્રી ડિમકી દરજી, મેહુલ પચીગર અને રામદયાલ પુરોહિત સામે રીગલ કોઈનના નામે છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદના આધારે અલથાણ સાલીગ્રામ હાઈટ્‌સમાં રહેતો રામદયાલ વલ્લભદાસ પુરોહિતને ઝડપી પાડ્‌યો હતો. હાલ પોલીસ રામદયાલની પુછપરછ કરી બાકીના આ રોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ લીગલ કોઈન કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી દિવ્યેશ દરજીએ કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તેના વિરૂધ્ધમાં સીઆઈડી ક્રાઈમમાં અનેક પુરાવો પણ હોવાનું જાણવા મળે છે.