લખનઉ, તા. ૩૧
બાબા રામદેવ અને પતંજલિ વૃક્ષો માટે સારા દેખાઇ રહ્યા નથી. બાબા રામદેવની પતંજલિને આગળ લાવવા માટે ઉત્તરપ્રદેશમાં ૬૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટે યોગગુરૂમાંથી પતંજલિના ઉદ્યોગ સાહસિક બનેલા બાબાને ફાળવાયેલી જમીનમાંથી હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નખાતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પતંજલિ યોગ પીઠને આ જમીન શૈક્ષણિક અને ઇન્સ્ટીટ્યુશન કાર્ય માટે ફાળવાઇ હતી. અલ્હાબાદ હાઇકોર્ટે પોતે નોંધ લઇ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
નવેમ્બર ૨૦૧૬માં અખિલેશ યાદવની સરકારે ફૂડપાર્ક અને યુનિવર્સિટી માટે પતંજલિ યોગ પીઠને યમુના એક્સપ્રેસ વે નજીક ૪૫૫ એકર જમીન ફાળવી હતી. યમુના એક્સપ્રેસ વે ઉદ્યોગ વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, અખિલેશ સરકારે ૪૫૫ એકર જમીન ફાળવવાની જાહેરાત કરી હતી અને બાદની સરકારે તેને મંજૂરી આપી હતી.
ગૌતમબુદ્ધ નગરના ઔસાફ તથા અન્ય આઠ અરજદારોએ આ બંજર જમીનને ૨૨ માર્ચ ૧૯૯૪માં ૩૦ વર્ષ માટે લીઝ આપી હોવાના આધાર સાથે પતંજલિને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. અરજદારે એમ પણ જણાવ્યંુ હતું કે, આ જમીન પતંજલિને ફાળવાતા મેરઠના ડિવિઝનલ કમિશનરે ૩ જુન ૨૦૧૭ અને ૧૦ જુન ૨૦૧૭ના રોજ યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ઓથોરિટી દ્વારા પસારકરાયેલા આદેશ બાદ જમીન પરત મેળવી લીધી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે, આ જમીનમાં ૬૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી મોટાભાગના વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા.
આ અંગે ગંભીર નોંધ લેતા જસ્ટિસ તરૂણ અગ્રવાલ અને જસ્ટિસ અશોક કુમારે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકારે જે લોકોના વૃક્ષો કપાયા છે તેને વ્યક્તિગત વળતર કેવી રીતે ચુકવશે તેની માહિતી આપવી પડશે. આ ઉપરાંત સમાજને અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે જવાબ આપવાનો રહેશે. કોર્ટે તમામ પક્ષોને બીજો આદેશ ન આવેત્યાં સુધી જમીનમાં કોઇ કામ ન કરવા સૂચના આપી છે.