ગાંધીનગર, તા.૨
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નિરમા યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી ૧૫ ડિસેમ્બરે આવશે. નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે તે અંતર્ગત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર પટેલના દર્શન કરવા માટે આવશે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે, આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલને શ્રદ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.