(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે તા.૨૯-૦૫-૨૦૧૮ના રોજ સુરત ખાતે આવનાર છે. તેમના નક્કી થયેલ કાર્યક્રમ મુજબ માન.રાષ્ટ્રપતિ સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન હોલ, સરસાણા ખાતે ડોનેટ લાઇફ દ્વારા આયોજિત બ્રેનડેડ દર્દીઓના અંગદાતા પરિવારના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ૧૧.૫૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯માં પદવીદાન સમારોહમાં ત્યારબાદ તેઓ ૩.૧૫ કલાકે અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે એસ.આર.કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંતોકબા માનવરત્ન એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે.
રાષ્ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સલામતી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.આર ગૌરખોડે, નાયબ પોલીસ કમિશનર વિધિ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે એરપોર્ટ સહિત કાર્યક્રમના ત્રણે સ્થળો ઉપર સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧ આર.પી.બારોટ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નિનામા, આહિર, સિટી પ્રાંત બી.એસ.પટેલ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પટેલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માન.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા.૨૯-૦૫-૨૦૧૮ના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમો સંદર્ભે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી કામગીરીની જિલ્લા કલેકટરએ સમીક્ષા કરી હતી. બેઠકમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, લાઈટ સાઉન્ડ સિસ્ટમ, સ્વાગત, કાયદો-વ્યવસ્થા, ર્પાકિંગ, ટ્રાફિક, વીજળી, પાણી, આરોગ્ય,વી.આઈ.પી. પ્રવેશ, મીડિયા બેઠક વ્યવસ્થા સહિતની બાબતો અંગે સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર સંજય પટેલ, ડોનેટ લાઈફ સંસ્થાના ચેરમેન નિલેશ માંડલેવાલા, સિટી પ્રાંત બી.એસ.પટેલ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ, પોલિસ વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.