અમદાવાદ, તા.૨૫
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ ઉપર ૪,૫૦૦ જેટલા ખાડા પડી ગયા હોવાનો સ્વીકાર ખુદ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામા આવ્યો હોવાછતાં ખાડા પુરવાની કામગીરી કરવામા નિષ્ફળ ગયેલા મ્યુનિસિપલ તંત્રની સામે રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ દ્વારા પોતાના બજેટમાંથી તેમના વોર્ડના વિવિધ રસ્તાઓના ખાડા પુરવાનો આજથી આરંભ કરવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમા ગત જુલાઈ માસમા પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના છ ઝોનમા આવેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના મુખ્ય અને આંતરીક રસ્તાઓ તુટી જવા પામ્યા છે.આ મામલે ૨૮ જુલાઈના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામા પણ ભારે ઉહાપોહ સર્જાતા શહેરના મેયર અને બોર્ડના અધ્યક્ષ એવા મેયરે શહેરમા તુટેલા તમામ રસ્તાઓ એક અઠવાડિયામા અગાઉ હતા એવા કરી દેવાની બાંહેધરી આપી હતી આ સાથે જ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર કુલ મળીને ૪,૫૦૦ જેટલા પડેલા ખાડાઓનુ તાકીદે સમારકામ કરવામા આવશે એવી ખાત્રી બોર્ડના સભ્યોને આપી હતી.આ બાંહેધરીને એક માસ જેટલો સમય પસાર થઈ ગયા બાદ પણ ખાડાઓ પુરવામા ન આવતા શહેરના રામોલ-હાથીજણ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલની આગેવાનીમા તેમને મળતા બજેટમાંથી વોર્ડના વિવિધ રસ્તાઓના ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામા આવી છે.આ મામલે અતુલ પટેલે એક વાતચીતમા કહ્યુ કે,વોર્ડમા આવેલા ડાકોર ભકિતમાર્ગ ઉપરાંત રામોલ ચોકડી વિસ્તારમાં ખાડા પુરવાની શરૂઆત કરવામા આવી છે આ કામર્વાહી આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.