(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યાએ કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ પદેથી રાજીનામું દીધા હોવાનો દાવો કરતા અહેવાલોને નકારી કાઢ્યા છે. અહેવાલ મુજબ રામ્યાએ કોંગ્રેસ છોડી દીધી હોવાના અહેવાલને શરૂથી નકારતા કહ્યું કે, તેણી હાલમાં પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી કરાર પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ તરીકે ફરજ પર ચાલુ રહેશે. દિવ્યાએ કહ્યું કે, હાલમાં તેઓ રજા પર ઉતર્યા છે અને ગુરૂવારથી ફરી ઓફિસ જોઈન કરશે. રામ્યાએ તેમના ટ્‌વીટર બાયો પરથી તેમના પદને દૂર કર્યા બાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ પદેથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલે જોર પકડ્યું હતું. સોશિયલ મીડિયામાં આ અહેવાલ ફેલાતા રામ્યાએ ફરીથી ટ્‌વીટર બાયો અપડેટ કર્યું હતું અને લખ્યું કે તે હજુ પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ચીફના પદ પર છે અને આનંદથી આ પદ નિભાવી રહી છે. દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપમાનજનક નિવેદન આપ્યા બાદથી અહેવાલોમાં ઝળકી હતી. ઉલ્લેખનીય છે કે આ નિવેદન માટે રમ્યા પર દેશદ્રોહનો કેસ દાખલ થયો હતો.