(એજન્સીં) નવી દિલ્હી, ૧૬
કેન્દ્ર સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સલામતી અભિયાનો અટકાવવા જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી દ્વારા રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન ખીણમાં એકબાજુના અભિયાનને અટકાવવાની અપીલને શરતી મંજૂરી આપી દીધી છે. મહેબુબા મુફ્તી દ્વારા રમઝાન દરમિયાન યુદ્ધવિરામની અપીલ ઉપર કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને ખીણમાં રમઝાનના ગાળા દરમિયાન કોઇપણ પ્રકારના નવા ઓપરેશન શરૂ ન કરવા માટેના આદેશ આપી દીધા છે. અલબત્ત કેન્દ્ર સરકારે કોઇ આતંકવાદી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળોને ત્રાસવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી છે. રમઝાન મહિનાની શરૂઆતથી એક રોજા પહેલા કેન્દ્ર સરકારે આ અંગેની જાહેરાત કરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને આ સંબંધમાં માહિતી આપી દીધી છે. બીજી બાજુ અન્ય એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા દળોને કાશ્મીરમાં લોકોની સુરક્ષા કરવા અને પોતાના પર થનાર હુમલાનો જવાબ આપવા માટે કોઇપણ પ્રકારના નિર્ણય લેવાનો અધિકાર રહેશે. આના માટે સંપૂર્ણપણે સુરક્ષા દળો સ્વતંત્ર રહેશે. કેન્દ્ર સરકાર એવી અપેક્ષા રાખે છે કે તમામ લોકો સુરક્ષાની આ વ્યવસ્થામાં સહકાર કરશે જેમાંથી મુસ્લિમ સમાજના ભાઈ-બહેનો રમઝાન મહિનાની શાંતિપૂર્ણરીતે ઉજવણી કરી શકશે. આ પહેલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ૯મી મેના દિવસે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં રમઝાનના પવિત્ર મહિનામાં કેન્દ્રની સામે ખીણમાં એકપક્ષીય અભિયાન અટકાવવાની દરખાસ્તની વાત કરવામાં આવી હતી. આ બેઠક બાદ મહેબુબાએ દાવો કર્યો હતો કે તમામ પાર્ટીઓ આ મુદ્દા સાથે સહમત છે. બીજી બાજુ થોડાક દિવસ બાદ જ મહેબુબા મુફ્તીએ આ દાવાને ફગાવતા કહ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, સુરક્ષા દળો પર થઇ રહેલા હુમલા વચ્ચે ખીણમાં યુદ્ધવિરામ કરવાના મહેબુબાના પ્રસ્તાવ ઉપર કોઇપણરીતે સ્વીકાર કરશે નહીં. રાજ્યની સત્તામાં ભાગીદાર રહેલી ભાજપના સભ્યોએ મહેબુબાના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બેઠકની યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે, મોડેથી આ મુદ્દે સહમતિ સધાઈ હતી.