(એજન્સી) રાંચી, તા.૧પ
દર વર્ષની જેમ વેલેન્ટાઈન ડેના અવસરે બજરંગ દળના અને વિહિપના કાર્યકર્તાઓએ દેશમાં અલગ અલગ જગ્યાએ હોબાળો મચાવ્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓએ રાંચીના એક પાર્કમાં જઈને હોબાળો કર્યો હતો અને જય શ્રીરામના નારાઓ લગાવી પાર્કમાં ઘૂસી આવ્યા અને ત્યાં બેઠેલા યુગલોને જબરજસ્તી બહાર હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં એક કપલના તો લગ્ન પણ કરાવી નાખ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ જબરજસ્તી પ્રેમી જોડાઓના ફોન છીનવીને તેમના ઘરવાળાઓને ફોન કર્યા હતા. અને સાથે ફરીવાર પાર્કમાં ન આવવાની પણ ધમકી આપી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી બજરંગ દળના કાર્યકર્તા અને યુગલની ધરપકડ કરી હતી. આ બાજુ જમશેદપુરના જુબલી પાર્કમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને શિવ સૈનિકોએ પ્રેમી યુગલો વિરૂદ્ધ પાર્કમાં જઈને હોબાળો મચાવ્યો અને યુગલોને પકડવા પાછળ એક દિવસ પહેલા તેલંગાણા બજરંગ દળના એકમે કહ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીએ જો કોઈપણ અપરિણિત યુગલો હૈદરાબાદ અને તેલંગાણામાં દેખાશે તો તેઓને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવશે. બજરંગ દળના નેતાએ કહ્યું કે ગત વર્ષ આ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આયોજિત આતંકવાદી હુમલામાં આપણા ૪પ બહાદુર સૈનિકો માર્યા ગયા હતા. આપણે પોતાના દુશ્મનના એ કાયરતાપૂર્ણ કાર્યને કેવી રીતે ભૂલી શકીએ અને પ્રેમની ઉજવણી કઈ રીતે કરી શકીએ. તેમણે એમ પણ કહ્યું કે આ વખતે જો કપલ મોલ, કલબ, પબ, રેસ્ટોરન્ટ અથવા અન્ય સ્થળો પર સમય પસાર કરતા પકડાયા તો તેઓને લગ્ન નહીં કરાવવામાં આવે પણ તેઓને રાષ્ટ્ર માટે પ્રેમ કરવાની સલાહ આપશે. તેઓને આપણા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલી આપવા કહીશું.