નવી દિલ્હી,તા.૨૬
કટોકટીના ૪૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યાં છે. પહેલાં પીએમ મોદીએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તો હવે કોંગ્રેસ તરફથી પલટવાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે. તેઓએ કહ્યું કે દિલ્હીના સુલતાન ઔરંગઝેબથી પણ ક્રૂર સરમુખત્યાર મોદીએ દેશને કટોકટીના પાઠ ભણાવ્યા, પરંતુ આજે તેઓએ જ સમગ્ર પ્રજાતંત્રને બંધક બનાવી દીધું છે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, “ઈન્દિરા ગાંધીએ વ્યાપક લડાઈ લડી હતી. પીએમ મોદી કટોકટીની યાદ અપાવીને દેશને ભટકાવી રહ્યાં છે, શું ઈન્દિરા ગાંધીને કોસવાથી ખેડૂતોને ફાયદો મળી શકે છે. શું ઈમરજન્સીની વાત કરી સારા દિવસો આવશે?”
સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, “ઔરંગઝેબે તો ફક્ત પિતાને બંધક બનાવ્યા હતા, પરંતુ આજના ઔરંગઝેબે પાર્ટી સહિત સમગ્ર પ્રજાતંત્રને બંધક બનાવી દીધા છે.” સુરજેવાલાએ કહ્યું કે, “મોદીજી વૃદ્ધ માતાનું ઉદાહરણ આપી રહ્યાં હતા, પરંતુ તે વૃદ્ધ માતા આજે નોટ બદલવા માટે લાઈન ઊભા છે. આજે સવાલ પૂછતાં દરેક વ્યક્તિને દેશદ્રોહી કહેવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણીને પરાણે માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવે છે.”