(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ શુક્રવારે આઈટીવી નેટવર્કના કાર્યક્રમ ઈન્ડિયા ન્યૂઝ મંચમાં ભાગ લીધો હતો અને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ પેટ્રોલ-ડીઝલના ભાવ, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ, ડોકલામ અને પઠાણકોટ હુમલાઓ વગેરે જેવા મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. ઈન્ડિયા ન્યૂઝના મુખ્યમંત્રી દીપક ચોરસીયા સાથેની વાતચીતમાં સૂરજેવાલાએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સરકારે કરના નામે લોકો પાસેથી ૧૦ લાખ કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. દેશના લોકો દરેક સ્તરે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઈંધણના ભાવોમાં વધારા અંગે કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશના લોકો હવે કરનો ભાર ઉઠાવી શકતા નથી. વડાપ્રધાને લોકોને રાહત મળે તે માટે કંઈક કરવું જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ભાજપ સરકારની નીતિઓ પર પ્રશ્ન કરતાં સૂરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ભોજન બાદ તુરત પઠાણકોટ હુમલો થયો. અત્યાર સુધી ૩૭૦ સૈનિકો અને ર૭૦ નાગરિકો સરહદે મૃત્યુ પામ્યા છે. ડોકલામમાં રોડ મુદ્દે ચીન સાથે પણ વિવાદ ધીરે-ધીરે વધી રહ્યો છે. વડાપ્રધાને ચીન જઈને દેશની સુરક્ષા સિવાય તમામ વાતો કરી. આ સાથે સૂરજેવાલાએ કોંગ્રેસ સરકારની યોજનાઓ અને નિર્ણયોનો જશ લેવા બદલ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતા તેમજ કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ગેરરીતિઓ અંગે પણ ચર્ચા કરી હતી. અંતે સૂરજેવાલાએ કહ્યું કે આજે દેશનો લઘુમતી સમાજ દ્વિતીય કક્ષાના નાગરિકોની જેમ અનુભવી રહ્યા છે.