(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
ભૂતપૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડ પર પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ‘છેલ્લા થોડાક દિવસોમાં દેશે લોકતંત્રનું ગળું ઘોંટતું જોયું છે.’ ચિદમ્બરમ સામે જેવી રીતે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટપણે જાહેર થાય છે કે મોદી સરકાર તેમની સામે રાજકીય દ્વેષથી કામ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે છેલ્લા બે દિવસોમાં દેશ ધોળે દિવસે લોકતંત્ર સાથે ન્યાયની હત્યાો સાક્ષી રહ્યો છે. સત્તામાં બેઠેલા લોકો દ્વારા સીબીઆઇ/ઇડીનો ઉપયોગ રાજકીય વેરવૃત્તિ તરીકે કરવામાં આવી રહ્યો છે. ભાજપે સીબીઆઇ ્‌અને ઇડીને બદલાની કાર્યવાહી કરનાર વિભાગમાં બદલી નાખ્યા છે. સરકાર પાસે ચિદમ્બરમની વિરૂદ્ધમાં ન તો કોઇ પુરાવા છે અને ન તો કોઇ આધાર છે. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ ગૃહ અને નાણા પ્રધાન પી.ચિદમ્બરમ સાથે દુર્વ્યવહાર, દુર્ભાવનાપૂર્ણ અને સુનિયોજિત રીતે કેસ ચલાવવામાં આવી રહ્યો છે અને આ બાબત મોદી સરકાર દ્વારા અંગત ્‌્‌અને રાજકીય બદલાથી ઓછી નથી. પત્રકાર પરિષદમાં સુરજેવાલાએ એવું પણ કહ્યું કે સરકારના નિયંત્રણ બહાર જઇ રહેલું અર્થતંત્ર, વધી રહેલી બેરોજગારી, રૂપિયાનું અવમૂલ્યન અને બધા ક્ષેત્રોમાં નિરંકૂશ સંકટ વચ્ચે હવે આપણે એ બધું જોઇશું જે એક હતાશ મોદી સરકાર ૨.૦ દેશનું ધ્યાન હટાવવા માટે કરશે. આપણે જોઇ રહ્યા છીએ કે ભાજપ સરકાર કેવી રીતે આ મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે કામ કરી રહી છે.