(એજન્સી) ચંદીગઢ, નવી દિલ્હી, તા.૨૫
હરિયાણાના લોકોને ભાજપને નકારી દીધો હોવાની જાહેરાત કરીને કોંગ્રેસે ભગવા પાર્ટી સામે બહુમતી હાંસલ કરવા માટે નાણા અને સત્તાની લાલચો આપવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું કે આવા ઉપાયોથી બનનારી સરકાર ‘ગેરકાનૂની’ હશે. હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં રાજ્યમાં સરકારની રચના કરવા વ્યૂહરચના ઘડી કાઢવા માટે હરિયાણાના મુખ્ય પ્રધાન એમએલ ખટ્ટર અને તેમના કોંગ્રેસના હરીફ ભુપેન્દ્રસિંહ હૂડા દિલ્હીમાં ઉપસ્થિત છે. હરિયાણામાં અપક્ષ ધારાસભ્ય ગોપાલ કાંડા સહિત અન્ય અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવાના ભાજપના પ્રયાસોના પ્રશ્ન અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે કાંડા હરિયાણાની તત્કાલીન કોંગ્રેસ સરકારમાં પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરેલા નિવેદનો જુઓ. તે વખતે ભાજપનું શું વલણ હતું ? તેમણે કહ્યું કે તત્કાલીને કોંગ્રેસ સરકારે નૈતિક જવાબદારી સ્વીકારીને કાંડાને પ્રધાનપદેથી હટાવી દીધા હતા. આ ભાજપનું બેવડું ધોરણ છે. તેમણે ભગવા પાર્ટી સામે સત્તાની ભૂખી હોવાનો આરોપ મૂક્યો છે. ચૂંટણી પરિણામો વિશે તેમણે કહ્યું કે હરિયાણાએ ભાજપને ફગાવી દીધો છે. હવે ધારાસભ્યોની ખરીદ-વેચાણ દ્વારા સરકાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખટ્ટર સરકારના પ્રધાનો હારી ગયા છે. મતદારોએ બહુમતી આપી નથી.