(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ મંગળવારે દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપરના ઇન્ટરવ્યૂને આદેશ પ્રમાણેનો ગણાવતા કહ્યું હતું કે, રાફેલ સોદામાં ભ્રષ્ટાચારને ઘડી કાઢેલા જુઠ્ઠાણાથી દબાવી શકાય તેમ નથી. સૂરજેવાલાએ કહ્યું કે, દેશ બનાવટી ખુલાસા નહીં પણ નિષ્પક્ષ તપાસ ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે, એરિક ટ્રેપરે મંગળવારે જ સત્તાવાર સમાચાર એજન્સી સમક્ષ ખુલાસો કર્યો છે કે, રાફેલ સોદામાં કોઇ ગેરરીતિ નથી થઇ અને અનિલ અંબાણીની કંપનીને તેમણે જ પસંદ કરી છે. સીઇઓના નિવેદનના મિનિટો બાદ જ સૂરજેવાલાએ કહ્યું કે, ‘પહેલું કે, કાયદાનું શાસન- પરસ્પર લાભાર્થીઓ અને સહઆરોપીઓના નિવેદનનું કોઇ મહત્વ નથી. બીજું કે, પોતાના જ કેસમાં લાભાર્થીઓ અને આરોપીઓ નિર્ણય ના લઇ શકે. સત્ય તેની રીતે જ બહાર આવશે.’ આ પહેલા એરિક ટ્રેપરે રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા આરોપોને નકાર્યા હતા જેમાં કહેવાયું હતું કે, રાફેલ જેટના ઓફસેટ કોન્ટ્રાક્ટ માટે દસોલ્ટ-રિલાયન્સના સંયુક્ત સાહસની વિગતો વિશે પૂર્વ પ્રમુખ જુઠ્ઠું બોલી રહ્યા છે.