(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં બેકરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦ જેટલી બેકરીઓ પર સફાઇનો અભાવ અને બિન આરોગ્યપ્રદ માહોલ જણાતા તેમને નોટીસ ફટકારવામાં આવી છે. જ્યારે લાયસન્સ વિના જ ધમધમતી એક બેકરીને બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ૧૮ કિલો જેટલી બગડેલી બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવા સાથે ૧૪પ૦૦ રૂપિયાનો દંડ વસુલ કરાયો છે.
રાંદેર ઝોન વિસ્તારમાં રામનગર અને આસપાસમાં ફુડ અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેકરીઓમાં ખાસ કરીને સફાઇ અને ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રામનગર મેઇનરોડની સંતોષ બેકરી, રામનગર ભિક્ષુક ગૃહની પાછળ, તરૂણ બેકરી, રામનગર કોલોનીની ન્યુ ગીતા બેકરી, રાંદેર રોડની ન્યુ પ્રશાંત બેકરી, રામનગર મેઇન રોડની વાધવાની ફુડ પ્રોડક્ટસ અને ગુરુનાન બેકરીમાં ચેકિંગ દરમિયાન કેટલીક ત્રુટીઓ જણાઇ આવી હતી. સફાઇનો અભાવ જણાયો હતો અને કેટલીક ખાદ્ય સામગ્રી બિનઆરોગ્યપ્રદ હોવાની શંકા ઉઠી હતી. જેને પગલે આ તમામ ૯ બેકરીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય અને ફુડની ટીમના ધ્યાન પર એવી વાત પણ આવી હતી કે રાંદેર રોડ પરની હરિઓમ બેકરી લાયસન્સ વિના જ ધમધમી રહી છે. તેના સંચાલકોને લાયસન્સ અને મંજુરી વિશે પુચ્છા કરાઇ હતી. જોકે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા નહી મળતા આ બેકરી તુરંત બંધ કરાવી દેવામાં આવી હતી.