(એજન્સી) નવી દિલ્હી, તા.૮
એક ખાનગી ન્યૂઝ ચેનલ પર ‘રાજકારણ અને ધ્રુવીકરણ’ વિષય પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલની ગોષ્ઠિ યોજાઈ હતી. આ ચર્ચા દરમિયાન બંને એકબીજા પર ઘમંડી હોવાના આરોપો લગાવતા શબ્દોનું આ યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હતું.
ર૦૧૪માં વધુ પડતાં ઘમંડના કારણે કોંગ્રેસને પરાજય થયો હતો તેવા આરોપોનો સુરજેવાલ બચાવ કરી રહ્યા હતા ત્યારે નકવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ લગ્નની એક એવી જાન છે જેનો વરરાજા તૈયાર નથી.
આ ટિપ્પણીનો જવાબ આપતા સુરજેવાલે જણાવ્યું હતું કે, ભાજપ ઘમંડથી ભરપૂર પાર્ટી છે જે સત્તાના નશામાં લોકોની ઉપેક્ષા કરે છે તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં ભાજપ સરકાર વિરૂદ્ધ દિવસેને દિવસે અસંતોષ વધતો જાય છે. ભાજપને સલાહ છે કે, તે ઘમંડ ત્યજી દે કેમ કે ર૦૧૪માં કોંગ્રેસ આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે.
નકવીએ જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસની જેમ નથી કેમ કે, ભાજપ પોતાના કાર્યકરોની મહેનતના કારણે ઓળખાતી પાર્ટી છે. ભાજપમાં મેરિટના આધારે લોકોને પદ આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ શાંતિ સ્થાપવા સક્ષમ છે. હિંસાના અમુક બનાવોને બાદ કરતાં ભાજપે શાંતિ સ્થાપી છે. ભાજપના શાસનમાં મેરઠ અને મલિયાણા જેવી ઘટનાઓ બનતી નથી. હું મોટા અને નાના રમખાણોની સરખામણી કરવા માંગતો નથી પણ અમે દેશમાં શાંતિ જાળવી રાખી છે.