(એજન્સી) નવી દિલ્હી, તા.૬
જેએનયુમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ ભાજપ અને મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા એક પત્રકાર પરિષદમાં કહ્યું છે કે, આ ગૃહમંત્રી અમિત શાહના મૌન સમર્થન વિના શક્ય બની શકે નહીં. સૂરજેવાલાએ કહ્યું કે, જેએનયુ કેમ્પસમાં પહેલા એબીવીપી અને ભાજપના ગુંડાઓને જવા દીધા હતા. ત્યારબાદ કેમ્પસમાં ખૂની ખેલ ખેલાયો હતો. રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે, જેએનયુમાં જે કાંઇપણ થયું તે કુલપતિનિ સંમતિથી થયું છે. ગૃહમંત્રી અમિત શાહના ઇશારે દિલ્હી પોલીસે જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો થવા દીધો હતો. ત્રણ કલાક સુધી પોલીસ કેમ્પસ બહાર ઉભી રહી હતી જેથી ગુંડાઓ કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર મારી શકે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશભરની યુનિવર્સિટીઓમાં સરકાર પ્રાયોજિત હુમલા થઇ રહ્યા છે. આ સરકાર વિદ્યાર્થીઓ અને યુવાઓનો અવાજ દબાવવા માગે છે. આ દેશના યુવાનોને અમિત શાહની તપાસ પર વિશ્વાસ નથી. કોેગ્રેસ પાર્ટીની માગ છે કે, જેએનયુમાં થયેલી હિંસાની એક સિટિંગ જજ દ્વારા ન્યાયિક તપાસથી કરવામાં આવે. મોદી અને અમિત શાહે વિદ્યાર્થીઓ પર દમનચક્ર ચલાવીને ૯૦ વર્ષ પહેલાના નાઝી શાસનની યાદ અપાવી દીધી છે. જે રીતે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોપર હુમલા કરાયા છે અને પોલીસ મૂકદર્શક બની રહી છે તે દેખાડે છે કે, દેશમાં પ્રજાતંત્રનું શાસન બચ્યું નથી. યુવાઓ જ્યારે પ્રજાતંત્ર અને બંધારણ પર હુમલાના વિરોધમાં અવાજ ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે. મોદી, સાંભળી લો યુવાઓનો અવાજ તમે દબાવી શકશો નહીં. આ સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી નહીં ચાલે.