(એજન્સી)નવી દિલ્હી, તા.૧પ
કોંગ્રેસે આજે જણાવ્યું હતું કે, સરકાર એસસી, એસટી અને ઓબીસી પાસેથી નોકરીઓમાં અનામતો છીનવી લેવા પ્રયાસો કરી રહી છે પણ અમે અનામતો આપવા સરકારને ઘૂંટણિયે પાડીશું. એમણે ચેતવણી આપી કે બે દિવસમાં અમે નિર્ણાયક પગલાં લઈશું. સુપ્રીમકોર્ટે હાલમાં ચુકાદો આપી જણાવ્યું કે, નોકરી અને બઢતીમાં અનામતો આપવા રાજ્ય સરકાર બંધાયેલ નથી અને અનામતો માંગવી એ મૂળભૂત અધિકાર નથી. સુપ્રીમના આવા ચુકાદાથી કોંગ્રેસ છંછેડાઈ છે. કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ ભાજપ અને આરએસએસ ઉપર અનામતો નાબૂદ કરવાના આક્ષેપો મૂકયા હતા. સુરજેવાલાએ કહ્યું કે, સરકાર પાસે બે વિકલ્પો છે. અમે સરકારને એસસી, એસટી, ઓબીસીને અનામતો અપાવાવ ઘૂંટણિયે પાડીશું. સરકાર પાસે એક વિકલ્પ સુપ્રીમકોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવાનો છે અને બીજો વિકલ્પ સુપ્રીમકોર્ટના ચુકાદાને પલટાવવા વટહુકમ બહાર પાડવાનો છે. એમણે કહ્યું કે, ઘણાં કોંગ્રેસીઓએ અંગત હેસિયતની ચુકાદા સામે સમીક્ષા અરજી દાખલ કરી છે. અમે આગામી બે દિવસોમાં આ મુદ્દે નિર્ણાયક પગલાં લઈશું. એમણે સ્પષ્ટતા કરી ન હતી કે નિર્ણાયક પગલાંમાં કાયદાકીય પગલાં છે અથવા દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરશે જે રીતે એમણે અગાઉ પણ જાહેરાત કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકારે ઉત્તરાખંડ સરકારને બરતરફ કરવા જોઈએ અને દેશ પાસેથી માફી માંગવી જોઈએ.