(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
કોંગ્રેસે શનિવારે ક્રેડિટ સુઇઝના રિપોર્ટને ટાંકતા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે પોતાના ‘‘ઘનિષ્ઠ મિત્રો’’ની ૭,૭૭,૮૦૦ કરોડની લોન માફ કરી અને પૂછ્યું હતું કે, શા માટે તે ખેડૂતો માટે દેવામાં રાહત આપતી નથી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સતત ટિ્‌વટમાં જણાવ્યું કે, ૨૦૧૪થી બેંકલોન માફીની આઘાતજનક વિગતો, એનપીએ અને બેંકોની સંકટગ્રસ્ત સંપત્તિના ખુલાસામાં જાણવા મળ્યું છે. મોદી સરકારે ૭,૭૭,૮૦૦ કરોડની બેંક લોન માફ કરી દીધી ! સૂરજેવાલાએ પૂછ્યું કે, મોદી સરકાર શા માટે તેનો ફાયદો ઊઠાવનારા લાભાર્થીઓના નામનો ખુલાસો કરતી નથી. તેમણે કહ્યું કે, બેંકોનું એનપીએ ૧૦,૮૦૦ કરોડ રૂપિયા છે. બેંકોની સંકટગ્રસ્ત સંપત્તિ ૧૬,૮૮,૦૦૦ કરોડ રૂપિયા છે. ખાનગી બેંકોની શાખ વૃદ્ધિમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. પીએસયુ બેંકોમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે. સૂરજેવાલાએ પૂછ્યું કે, મોદી સરકાર ઘનિષ્ઠ મિત્રોની પાંચ વર્ષમાં ૭,૭૭,૮૦૦ કરોડની લોન માફ કરી શકે છે તો ભારતના ખેડૂતોનુું દેવું કેમ માફ નથી કરી શકતી ? બેંકોમાં લોકોના નાણાની સુરક્ષા માટે કોણ જવાબદાર છે ?