જામનગર, તા. ૨૮
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસે એક રીક્ષામાં કોઈ અજાણી સ્ત્રી એક દિવસ પહેલા જન્મેલા બાળકને ત્યજી દઈ નાસી જતા પોલીસે તે બાળકને સારવારમાં ખસેડ્યું છે અને તેની માતાની શોધ શરૃ કરી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસે શનિવારે સાંજે જાવિદખાન અનવરખાન પઠાણ નામના રીક્ષા ડ્રાઈવર પોતાની રીક્ષા લઈને આવ્યા હતા.આ ચાલક પોતાની રિક્ષા મુકીને હોસ્પિટલમાં ગયા તે દરમ્યાન કોઈ અજાણી સ્ત્રી તાજુ જન્મેલું એક શીશુ કપડામાં વીટી રીક્ષાની મુસાફરને બેસવાની સીટમાં મુકીને નાશી ગઈ હતી. હોસ્પિટલમાંથી પરત આવેલા જાવીદખાને આ નવજાત શીશુને રડતું જોઈ પોલીસને તુરંત જાણ કરી હતી. દોડી આવેલા પીએસઆઈ વાય. એસ. ગામીતે જીવંત હાલતમાં રહેલા તે બાળકને સારવારમાં ખસેડી આ બાળકનો જન્મ છુપાવવા માટે અજાણી સ્ત્રીએ તેને ત્યજી દેવા અંગે આઈપીસી ૩૧૭ હેઠળ બનાવની નોંધ કરી છે. આ બાળકને એકાદ દિવસ પહેલા જન્મ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.