પાટણ,તા.૧૩
વિશ્વફલક પર ચમકેલી અને દેશની રૂા.૧૦૦ની ચલણી નોટ પર સ્થાન પામેલ વિશ્વ વિરાસત એવી પાટણની ઐતિહાસિક, પ્રાચીન રાણીની વાવ નિહાળવા દિવાળીના તહેવારોની રજામાં દેશ-વિદેશના હજારો પર્યટકો પાટણના મહેમાન બન્યા હતા. પાંચ દિવસની રજાઓમાં ૩ર૧ વિદેશી અને રર,૩૯૧ ભારતીય મળી કુલ રર,૭૧ર પર્યટકો તેમજ સહેલાણીઓએ વાવની મુલાકાત લઈ તેના બેનમૂન શિલ્પ-સ્થાપત્યોને નિહાળ્યા હતા. જેના કારણે પુરાતત્વ વિભાગને પાંચ દિવસમાં જ અંદાજે રૂા.૧પ લાખથી વધુની આવક થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દિવાળીની પાંચ દિવસની રજા દરમ્યાન ૩૪૪ર૪ ભારતીય અને ૧૦૦ જેટલા વિદેશી પર્યટકોએ વાવ નિહાળી હતી અને જે પેટે રૂા.પ,૪૯,પ૦૦ની આવક થઈ હતી. પરંતુ આ વર્ષે વાવ નિહાળવાની ટિકિટમાં પ્રતયેક ભારતીય નાગરિક માટે રૂા.૪૦ અને વિદેશી નાગરિક માટે રૂા.૬૦૦નો ધરખમ ભાવ વધારો કરાતા ગત વર્ષની સરખામણીએ પર્યટકોની સંખ્યા ઘટી છે છતાં પુરાતત્વ વિભાગને આવકમાં ત્રણ ઘણો વધારો થયો છે.