નવી દિલ્હી,તા.૧૯
દેશની સર્વોચ્ચ બેંક ભારતીય રીઝર્વ બેંક ટૂંક સમયમાં ૧૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર અત્યારે ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. કેન્દ્રીય બેંક તરફથી જાહેર થયેલા નિવેદન મુજબ આ નોટની પાછળની બાજુએ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત ‘રાનીની વાવ’નું ચિત્ર હશે. ‘રાનીની વાવ’ એક સ્ટેપવેલ છે, ૧૦૦ રૂપિયાની નોટ પર આ ચિત્રને બતાવી ભારતની વિરાસતને દર્શાવવામાં આવી છે.
આ નોટ લવેન્ડર કલરની હશે. આ નોટની સાઈઝ ૬૬ mm ૧૪૨ mm હશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ નવી નોટની સાથે અગાઉથી પ્રચલિત ૧૦૦ રૂપિયાની નોટની બધી સીરીઝ માન્ય ગણાશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ નવી નોટો જાહેર થયા બાદ તાત્કાલિક અસરથી તેનું વિતરણ કરવામાં આવશે.
૧૦૦ રૂપિયાની નવી નોટની વિશેષતાઓ
આગળ શું હશે?
આંકડામાં ૧૦૦ નીચે તરફ લખ્યું હશે.
ગાંધીજીના ચિત્રની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ૧૦૦ વચ્ચે અંકિત કર્યુ હશે.
મધ્યમાં ગાંધીજીની તસ્વીર હશે.
માઈક્રો લેટર્સમાં ‘RBI’, ‘ભારત’, ‘INDIA’ અને ‘૧૦૦’ લખ્યું હશે.
મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુએ પ્રોમિસ ક્લોજ થશે અને તેની નીચે ગવર્નરની સહી હશે.
જમણી બાજુએ અશોક સ્તંભ હશે.
પાછળ શું હશે?
દેવાસ સ્થિત સિક્યુરીટી પ્રિન્ટિંગ પ્રેસમાં આ નોટનું છાપકામ શરૂ થઇ ગયુ છે. આ નોટની પાછળની બાજુએ ગુજરાતના પાટણ સ્થિત રાનીની વાવનું ચિત્ર હશે. યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં આ સામેલ છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે અત્યાર સુધી ૧૦, ૫૦, ૨૦૦, ૫૦૦, અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. આ નોટના કાગળ હોશંગાબાદ સ્થિત પેપર મીલમાંથી આવ્યા છે.