અમદાવાદ,તા.૪
રાણીપ ખાતે આવેલ જીએસટી ફાટક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની ગયો હોવા છતાં ભાજપના સત્તાવાળાઓ કે અમ્યુકોના સત્તાધીશો દ્વારા તેના વિધિવત્‌ ઉદ્‌ઘાટનના કોઇ ઠેકાણાં નહી પડતાં છેલ્લા કેટલાય સમયથી રોજ ભારે હાલાકીનો ભોગ બની રહેલા સ્થાનિક નાગરિકોએ અંતે કંટાળીને પોતાની જાતે જ ઓવરબ્રિજનું ઉદ્‌ઘાટન કરી નાખ્યું હતું. નોંધનીય વાત તો એ હતી કે, બ્રીજના ઉદ્‌ઘાટન સમયે સ્થાનિક નાગરિકોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તો બીજીબાજુ એવી વાત પણ સામે આવી હતી કે, આ ઓવરબ્રિજના ઉદ્‌ઘાટન માટે ભાજપે સીએમ વિજય રૂપાણી પાસે સમય માગ્યો હતો. જોકે હજુ સુધી નક્કી થઈ શક્યો નહોતો અને ઉદ્‌ઘાટનના ઠેકાણાં પડતા ન હતા તેમાં રાહ જોઇને થાકેલી જનતાએ જાતે જ બ્રીજ ખુલ્લો મૂકી દીધો હતો. આમ, જનતા જનાર્દન જાતે જ સેલિબ્રીટી તરીકેની ભૂમિકામાં આવી ઓવરબ્રીજનું લોકાર્પણ કરી દેતાં બ્રીજ પરથી વાહનવ્યવહાર શરૂ થઇ ગયો હતો. રાણીપ ઓવરબ્રીજના વિવાદની વાસ્તવિકતા એ છે કે, એકબાજુ ભાજપ કોઈ સેલેબ્રિટી અને નેતાની રાહ જોતો હતો બીજી તરફ ઓવરબ્રિજ બની ગયો હોવા છતા ચાલુ નહી થતો હોવાથી સતત હાડમારી સહન કરતા સ્થાનિકો અને દરરોજ અહીંથી પસાર થતા લોકોએ ઓવરબ્રિજને ખુલ્લો મુકી દીધો હતો. ત્યારે સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતોે કે લોકોને પડતી મુશ્કેલીનું ધ્યાન રાખીને તેમણે આ રોડ લોકો માટે ખુલ્લો મુકવાની કામગીરી કરી હતી. સામાન્ય રીતે ૨૪ મહિનામાં જે કામ પુરુ થવું જોઈએ તે રાણીપ અને ન્યુ રાણીપને જોડતા જીએસટી રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજને પૂરા થતાં પાંચ વર્ષ લાગ્યા હતા. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો તો રેલવે સાથે વિવાદમાં પડવાના કારણે બ્રિજની કામગીરી વચ્ચે વચ્ચે ઘણા સમય સુધી ઠપ્પ પડી હતી. એ પછી જ્યારે જેમ તેમ કરીને બ્રિજ તૈયાર થયો ત્યારે શાસક પક્ષ ભાજપે જાહેરાત કરી કે લોકો માટે મે મહિનામાં આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે પરંતુ મે મહિનો પૂરો થઈ જવા છતા ઉદઘાટનના કોઇ અણસાર દેખાતા ન હતા. ભાજપવાળા તેમના મોટા નેતા કે માથાની રાહ જોવામાં રહ્યા ને..કંટાળેલી જનતાએ જાતે જ ઓવરબ્રીજનું ઉદ્‌ઘાટન કરી નાંખ્યું. કોંગ્રેસની પ્રતિક્રિયા એવી હતી કે, બે મહિનાથી ઓવરબ્રિજ તૈયાર છે. આશરે ૬ વર્ષના કામ બાદ હવે બ્રીજ તૈયાર થઈ ગયો છે તો લોકોને તાત્કાલીક તેનો યુઝ કરવાની પરમીશન મળવી જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ વિશેષ આવે તેની રાહ જોઈને લોકોની મુશ્કેલીમાં વધારો કરવો જોઈએ. દરમ્યાન આ અંગે શહેરના મેયર ગૌતમ શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે આ કામ કર્યું છે. અમે પણ જેટલું શક્ય બને તેટલું આ બ્રિજને લોકોને સમર્પિત કરવા માગીએ છીએ પરંતુ હજું પણ બ્રિજ પર ફિનિશિંગ કામ ચાલુ છે જે આવતા સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. જે બાદ બ્રિજને વિધિવત ખુલ્લો મુકવામાં આવશે.’