નવી દિલ્હી, તા.૨૧
સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવની નિમણૂક અંગે કરવામાં આવેલી અરજી પર સુનાવણીની બેન્ચમાંથી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અલગ થઇ ગયા છે. જસ્ટિસના હિતોના રક્ષણનું કારણ જણાવી તેઓ આ કેસની સુનાવણીમાંથી અલગ થઇ ગયા છે. સીજીઆઇએ જણાવ્યું હતું કે, તેઓ ૨૪ જાન્યુઆરીએ નવા સીબીઆઇના ચીફની નિમણૂક કરનારી કમિટીનો ભાગ છે તેથી તેઓ આ કેસ પર સુનાવણી નથી કરી શકતા. આ મામલે હવે ૨૪ જાન્યુઆરીએ બીજી બેન્ચ સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી જસ્ટિસ એકે સીકરી કરશે. અગાઉ સિલેક્શન કમિટીમાંથી પણ ચીફ જસ્ટિસ અલગ થઇ ગયા હતા અને તેમની જગ્યાએ જસ્ટિસ એકે સીકરીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીમાં જસ્ટિસ સીકરીના સાથે પીએમ અને વિપક્ષના નેતા પણ સામેલ છે. કોમન કોઝ એનજીઓ તરફથી દાખલ કરવામાં આવેલી ઝડપી સુનાવણીની અરજીને રદ કરતા કોર્ટે આજે સુનાવણીની તારીખ નક્કી કરી હતી. આ અરજીમાં રાવની નિમણૂકની સાથે સીબીઆઇના નવા ડાયરેક્ટરની નિમણૂકમાં પારદર્શિતાની પણ અપીલ કરવામાં આવી હતી.