(એજન્સી) તા.૧૫
આરૂષિ તલવારની કોણેં હત્યા કરી હતી એ પ્રશ્નનો જવાબ હવે ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ આપશે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ રંજન ગોગોઇ દ્વારા અગાઉ સુનાવણી માટે હાથ ધરવામાં આવેલા હાઇપ્રોફાઇલ કેસમાં આરૂષિ તલવારની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે. રંજન ગોગોઇ (ઉ.વ.૬૪) ૨ ઓક્ટો. વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની નિવૃત્તિ બાદ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યભાર સંભાળશે. ગોગોઇ ભારતના ૪૬માં મુખ્ય ન્યાયમૂર્તિ બનશે અને પૂર્વોત્તરમાંથી તેઓ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હશે.
ગોગોઇ એક કડક જજ તરીકેની છાપ ધરાવે છે. ૧૯૫૮માં આસામમાં તેેનો જન્મ થયો હતો અને ૧૯૭૮માં તેમણે વકીલાત શરૂ કરી હતી. ૨૦૦૧માં રંજન ગોગોઇને ગુવાહાટી હાઇકોર્ટના જજ તરીકે બઢતી મળી હતી. ત્યારબાદ તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવી હતી અને ત્યારપછી તેઓ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બન્યા હતા.
આ વર્ષના આરંભે સુપ્રીમકોર્ટમાં કેસોની ફાળવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજનાર સુપ્રીમકોર્ટના ચાર વરિષ્ઠત્તમ ન્યાયમૂર્તિઓમાં ગોગોઇનો સમાવેશ થતો હતો. ગોગોઇ પોતે હાથ ધરેલા કેટલાક કેસો બદલ સમાચારોમાં ચમક્યા હતા જેમ કે સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ માર્કંડેય કાત્જુને તેમણે નોટિસ બજાવતો આદેશ ૧૧ નવે. ૨૦૧૬ના રોજ કર્યો હતો. જસ્ટિસ ગોગોઇની બનેલી બેંચે કાત્જુને અવિવેકી ભાષાનો ઉપયોગ કરવા બદલ નોટિસ બજાવી હતી.
આ નોટિસ પર કાત્જુએ એવું જણાવ્યું હતું કે હું કોઇનાથી ગભરાતો નથી. મને ધમકી આપશો નહીં તેની સામે ગોગોઇએ જણાવ્યું હતું કે અમને હવે ઉશ્કેરશો નહીં. આમ કાત્જુ વિરુદ્ધ કાર્યવાહી અભૂતપૂર્વ ગણવામાં આવે છે. એ જ રીતે રંજન ગોગોઇએ એક વર્તમાન જજને જેલ મોકલ્યા હતા. સીએસ કર્નન સુપ્રીમકોર્ટના જજ ન હતા પરંતુ જે બેંચે તેમનેં જેલ મોકલ્યા હતા તેમાં જસ્ટિસ રંજન ગોગોઇનો સમાવેશ થતો હતો. જસ્ટિસ રંજન ગોગોઇ આસામના એનઆરસીને લગતા મામલા સાથે પણ સંકળાયેલા હતા અને હવે વિવાદાસ્પદ તલવાર કેસમાં પણ જસ્ટિસ રંજન ગોગોઇ સુનાવણી હાથ ધરશે.