જામનગર, ૨૬
જામનગર શહેરને રાજાશાહી વખતથી પીવાનું પાણી પુરૂ પાડતાં રણજીતસાગર ડેમની ઉંડાઇ વધારવા માટે નાણા પંચની બેઠકમાં જામનગર મહાપાલિકા વતી રૂા.૪૫ કરોડની માંગણી કરવામાં આવી છે. અને શહેરના વિકાસ માટે રૂા.૧૬૯.૫૬ કરોડ આપવા માંગણી કરવામાં આવી છે જેમાં વોટર હાર્વેસ્ટીગ, વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટર અને નવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અને શહેરના કેટલાક સ્થળોએ કેમેરા નાખવા માટે રકમ આપવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરને વિકાસ માટે સ્પેશ્યલ પેકેજ આપવા પણ આ બેઠકમાં માંગણી કરવામાં આવી છે. ગઇકાલે ગાંધીનગરમાં કેન્દ્રીય નાણાપંચની બેઠક મળી હતી જેમાં કમિશન વતી એન.કે.સિંઘ, ગુજરાતના પ્રિન્સીપાલ સેક્રેટરી ગુપ્તા, જામનગરના મેયર હસમુખ જેઠવા, મ્યુ.કમિશ્નર આર.બી.બારડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં, તા.૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૪માં નાણાપંચની મુદત પુરી થાય છે ત્યારે ૨૦૨૦થી ૧૫માં નાણાપંચની નિમણુંક થશે અને આ ગ્રાન્ટ અન્વયે તમામ પાલિકાના મેયર, કમિશ્નરની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિકાસ માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો હતો.
મ્યુ.કમિશ્નર આર.બી.બારડે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ૧૬૯.૫૬ કરોડના શહેરના વિકાસ કામોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રણજીતસાગરની ઉંચાઇ અઢી ફૂટ વધારવા અને જામનગર સુધી નવી પાઇપલાઇન નાંખવા માટે રૂા.૪૫ કરોડનો પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. વિસ્તારોમાં પાણીનો પાઇપ લાઇન નાંખવા માટે પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રેનેજ સિસ્ટમમાં વરસાદી પાણીના નિકાલ અંગે રૂા.૨૫ કરોડ અને વોટર હાર્વેસ્ટીગ સિસ્ટમ માટે રૂા.૨ કરોડ આપવા માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ, સી.સી.ટીવી કેમેરા, સેન્ટ્રલ લાઇટીગ માટે પણ રૂા.૨૦ કરોડની માંગણી કરવામાં આવી છે, ખાસ કરીને જામનગર મહાપાલિકાને વિકાસ માટે સ્પેશ્યલ પેકેજ આપવા માંગણી કરવામાં આવી છે. જામનગરની હદ ૩૨ કિ.મી.માંથી ૧૨૫ કિ.મી. થઇ છે ત્યારે નવા ભળેલા વિસ્તારમાં લાઇટ, પાણી, ભૂગર્ભ, ડ્રેનેજ સિસ્ટમ સહિતની સુવિધા માટે માળખુ પુરૂ પાડવા ઉપરોકત માંગ કરવામાં આવી છે, આમ કુલ ૧૬૯.૫૬ કરોડની માંગ મૂકવામાં આવી છે.
સાગરની ઊંચાઇ વધતાં જામનગરને પીવાના પાણીની મુશ્કેલી ઓછી થશે
જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમની ઉંચાઇ હાલ ૨૭ ફૂટ છે થોડા સમય પહેલા આ ડેમમાંથી કાપ કાઢવામાં આવ્યો હતો, ત્યારબાદ પાણીની સંગ્રહ શકિતમાં વધારો થયો છે, રાજાશાહી વખતમાં જામનગરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આ ડેમ હંમેશા સહાયરૂપ રહ્યો છે. સાગરથી જામનગર સુધી પીવાના પાણીની બીજી લાઇન માટે પણ માંગણી કરવામાં આવી છે, ત્યારે રણજીતસાગર ડેમની ઉંચાઇ અઢી ફૂટ વધે તો પાઇપલાઇન સહિતનો ખર્ચો રૂા.૪૫ કરોડ થવા જાય છે, જો નાણાપંચ આ વાત સ્વીકારે તો જામનગરની પીવાના પાણીની સમસ્યામાં ઘટાડો થશે.