બેંગલુરૂ, તા.૧૫
ગુજરાતે રણજી ટ્રોફી રાઉન્ડ-૯ની મેચમાં આંધ્રપ્રદેશને ૮ વિકેટે હરાવી ક્વાર્ટરફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગુજરાત આ જીત સાથે એલાઇટ ગ્રુપ એ અને બીમાં ૩૫ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે. આંધ્રપ્રદેશની ટીમ ૧૭૭ રનમાં ઓલઆઉટ થઇ હતી. ગુજરાતે પ્રથમ દાવમાં ૪૦૬ રન કરીને ૨૨૯ રનની લીડ મેળવી હતી. આંધ્રપ્રદેશ બીજા દાવમાં ૨૫૮ રનમાં ઓલઆઉટ થતા ગુજરાતને ૩૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. યજમાન ગુજરાતે નડિયાદના જીએસ સ્ટેડિયમ ખાતે ૨ વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
અક્ષર પટેલે મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ દાવમાં ૮૯ રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ બીજા દાવમાં આંધ્રની ૭ વિકેટ અને મેચમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી.ગુજરાત ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નથી. તેણે ૮માંથી ૫ મેચ જીતી છે, જ્યારે ૩ મેચ ડ્રો થઇ છે. ક્વાર્ટરફાઇનલ ૨૦ ફેબ્રુઆરીએ રમાશે. ગુજરાત કઈ ટીમ સામે ટકરાશે તે ટૂંક સમયમાં જાહેર થશે.