માળિયામિંયાણા, તા.૨૭
કચ્છના નાના રણમાં રણકાંઠે વસવાટ કરતા માછીમારોના ઝૂંપડામાં પાણી ઘૂસી જતા નાંગાવાડી, મંદરકી, વેણાસર, ઘાંટીલા, બોડા સહિતના રણકાંઠા વિસ્તારમાંથી સાગરખેડૂનું સ્થળાંતર કરાયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડતાં મેઘરાજાના તાંડવથી બનાસનું પાણી મોરબી જિલ્લાના માળિયામિંયાણા તાલુકાના કચ્છના નાના રણમાં આવી ચડતા તારાજી સર્જાઈ હતી. જેમાં માળિયાના મંદરકી, વેણાસર, ઘાંટીલા સહિતના દરિયાકાંઠે પૂરના પાણી ફરી વળતાં ત્યાં રણકાંઠે જીંગાની ખેતી કરતા પાગડિયા માછીમારોના ઝૂંપડામાં પાણી ઘૂસી જતાં ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા હતા. મત્સ્ય પકડાશ કરતા માછીમાર પરિવારો પોતાની હોડીમાં માલસામાન અને ઘેટાં-બકરાં ભરીને ઝૂંપડાઓ છોડી ઊંચાણ વિસ્તારનો આશરો લીધો હતો. જ્યારે મંદરકી રણકાંઠેથી રપ૦ જેટલા માછીમારોને હાંડીબેટ ડુંગર પર સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમજ વેણાસરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જતા ત્યાંના રણકાંઠેથી અનેક માછીમારોને તાલુકા વિકાસ અધિકારી ચાવડા અને તલાટી મંત્રી મેહુલભાઈ દ્વારા ફૂડપેકેટનું વિતરણ કરી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ મંદરકી, વેણાસર, ટીકર, બોડા સહિતના રણ વિસ્તારમાંથી માછીમારોનું સ્થળાંતર કરાયું હતું.