(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
આ વર્ષે ઓછા વરસાદને લઈ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોનાં પાણીની સ્થિતિ ખરાબ હોવાના અહેવાલો વચ્ચે કચ્છ જિલ્લામાં તો પાણીની તીવ્ર અછત સર્જાતા ખુદ સરકાર દ્વારા તેને ખાસ્સા સમય પહેલાંથી જ અછતગ્રસ્ત જાહેર કરાયો છે અને હવે સ્થિતિ એટલી હદે ખરાબ થઈ છે કે, કચ્છના મોટી સંખ્યામાં માલધારીઓને તેમના પશુધન સાથે પાણી-ઘાસચારાના અભાવે કચ્છ છોડી હિજરત કરવી પડી છે. ત્યારે આવી સ્થિતિ હોવા છતાં સરકાર કચ્છમાં રણોત્સવનું આયોજન કરી તાયફાઓ કરવા જઈ રહી હોઈ જિલ્લાના રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે.
રાજ્યની પ્રવાસન નિગમ દ્વારા કચ્છની સ્થિતિ નજર સામે હોવા છતાં પાણીની પરિસ્થિતિ જોયા વિના ૧૧૨ દિવસનો રણોત્સવ શરૂ કર્યો છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, દર વર્ષે સરકાર કચ્છમાં રણોત્સવ કરે છે પણ અત્યારે આપણે ઘાસ, પાણીની ખાસ જરૂર છે. કચ્છની અંદર જ્યારે અછતની સ્થિતિ છે. ત્યારે સરકારે ભૂજ નગરપાલિકાને ૬થી ૭ કરોડ આપ્યા છે તે રણોત્સવમાં ખર્ચ કરવાના બદલે અછતગ્રસ્ત વિસ્તારોમાં ફાળવવા જોઈએ. કચ્છમાં ખેડૂત-માલધારીઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. બેરોજગારોને અનાજ તેમજ પાણી અને ઘાસની વ્યવસ્થા કરાવવા માંગ કરાઈ છે.
કચ્છ રણોત્સવના કારણે કચ્છની જનતાનું પાણી વડેફાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્થાનિક ખેડૂતોએ પાણીની અછતને પગલે ખેતીને ઊભી થનારી ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.
૧લી નવેમ્બરથી ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલનાર કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો છે. ૧૧૨ દિવસ સુધી ચાલનારા લાંબા ઉત્સવ માટે ધોરડો પાસેના સફેદ રણમાં પહેલા દિવસે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી રણોત્સવનો પ્રારંભ કરાવતા હોય છે તેવી પરંપરા આ વર્ષે કોઈપણ પ્રકારની આચારસંહિતા ન હોવા છતાં નિભાવી શકાઈ ન હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં અછતને પગલે રણોત્સવમાં જવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે.
કચ્છના સફેદ રણમાં ખાનગી કંપનીને ટેન્ટ સિટી ઊભુ કરવાનો પરવાનો આપ્યો છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળથી ધોરડોના રણમાં ટેન્ટ સિટી બને છે. આ વર્ષે પણ ૪૦૦ ટેન્ટ ઊભાં કરવામાં આવ્યા છે. પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કચ્છના ૮ર૧ ગામોના ભાગનું પાણી અહીં ખર્ચાશે તેવો લોકો આરોપ લગાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાં ચોમાસામાં ૩૦ ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે.