મોરબી,તા.ર૬
માળીયામિંયાણા સ્ટેટ હાઇવે પર આજે બપોરના સુમારે રાપરના પાટીયા પાસે અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર ઠેકી બીજી સાઈડ જતી કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા બન્ને કાર બુકડો બોલી જતા ઘટનાસ્થળે પાંચના મોત નિપજ્તા હાઈવે મોતની ચીસોથી ગૂંજી ઊઠ્યો હતો. તેમજ આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોય જેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મૃતદેહને પીએમ અર્થે માળીયા ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરના સુમારે માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર રાપરના પાટિયા પાસે કાર ડિવાઇડર ઠેકી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે બે ફોર વ્હીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બંને કાર બુકડો બોલી જતા ૪ પુરૂષ અને ૧ મહિલા મળીને કુલ ૫ વ્યક્તિના મોત ઘટનાસ્થળે અને બે વ્યક્તિને વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એકનુ મોત નિપજતા મૃત્યુઆંક ૬ પર પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં જીજે-૦૯-બીબી-૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર અને જીજે-૦૧-કેએલ-૧૧૨૯ નંબરની આઈ-૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હરિભાઈ દેવજીભાઈ પટેલ, નરશીભાઈ હંસરાજભાઈ પટેલ, નર્મદાબેન નરશીભાઈ પટેલ, દેવકીબેન નારણભાઇ રામાણી, રહે.નારણપર નખત્રાણા કચ્છ અને ખેડબ્રહ્મા તેમજ અન્ય કારમાં સવાર સર્વિનભાઈ કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહ રહે.ગાંધીનગર વાળા સગા ભાઈઓ સહિત છના મોત થયા છે. જ્યારે પટેલ પરિવારના વિમળાબેન હરિભાઈ પટેલને ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ એસપી કરનરાજ વાઘેલા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ઘટનાની જાણ આજુબાજુ ગામના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા. આમ માળીયા હાઇવે પર યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એકી સાથે છ વ્યક્તિને આ કારના અકસ્માતે ભરકી લેતા હાઈવે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ જગ્યા પર અનેક અકસ્માતો ગવાહી પુરતા હોવાની પણ લોકચર્ચા થઈ હતી. આમ વધુ એક વખત હળવદ હાઈવે રક્તરંજીત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.