(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૨૧
કેરળના પલાક્કડ જિલ્લામાં ર૦૧૭માં બે સગીર છોકરીઓ પર રેપ ગુજારી હત્યા કરવાના આરોપસર પકડાયેલા ત્રણ આરોપીઓને સેશન કોર્ટે નિર્દોષ છોડી દેવાના ચુકાદાને કેરળ સરકાર હાઈકોર્ટમાં પડકારશે. મુખ્યમંત્રી પી.વિજયને આ જાહેરાત કરતા કહ્યું હતું કે,૧૩ વર્ષની અને ૯ વર્ષની બે સગીર વયની બાળકીઓના રેપ કરી હત્યા કરાઈ હોવાનું પીએમ રિપોર્ટમાં પૂરવાર થયું છે. આ ઘટના ર૦૧૭માં વલયાર ખાતે બની હતી. આ કેસના ત્રણ આરોપીઓ વી. મધુ, એમ. મધુ અને શીબુને પુરાવાના અભાવે છોડી મૂકયા હતા. અગાઉ આરોપી પ્રદીપકુમારને પણ છોડી મૂકયો હતો. રાજ્ય સરકારે પોસ્કો કોર્ટના હુકમને સંપૂર્ણપણે વિકૃત અને ટકવાપાત્ર ન હોવાનું જણાવ્યું હતું, તેથી રાજ્ય સરકાર હાઈકોર્ટને આ કેસને પુનઃ શરૂ કરવા અને તપાસવા આદેશ આપવા વિનંતી કરશે. નીચલી કોર્ટનો ચુકાદો કાયદા વિરૂદ્ધ અને પુરાવાના કોઈપણ જાતની વિશ્લેષણ વગરનો છે. કોર્ટે પીડિતાના માતા-પિતાની જુબાનીને ધ્યાનમાં લીધી ન હતી.