અમદાવાદ, તા.૪
તેલંગાણામાં વેટરનિટી ડૉક્ટર યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ અને રાજકોટમાં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે મહિલાઓ માટે સલામત કહેવાતા ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં થયેલા દુષ્કર્મના આંકડા પર ચોંકાવનારા છે. તા.૧ સપ્ટેમ્બરથી તા.૩૦ નવેમ્બર, ર૦૧૯ સુધીના ત્રણ મહિનાના ગાળામાં ગુજરાતમાં દુષ્કર્મની ૮૪ અને સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ર ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ૮૪ દુષ્કર્મની ઘટનામાં ૪૦ જેટલી ઘટનામાં સગીરાઓ અને ૧પ ઘટનામાં તો ૧૦ વર્ષથી ઓછી વયની બાળકીઓ પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન રાજ્યમાં પોલીસ ચોપડે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદો તપાસતા માલૂમ પડ્યું હતું કે, સૌથી વધુ દુષ્કર્મની ૨૦ ઘટના સુરતમાં બની છે. આ પાછળના કારણોની તપાસ કરતા જણાયું હતું કે, પરપ્રાંતિયોની વસાહતોવાળા વિસ્તારોમાં દુષ્કર્મની મોટાભાગની ઘટનાઓ બને છે. અહીં શ્રમિકવર્ગ અને તેમાં પણ પરપ્રાંતિયો હોવાને કારણે દારુની બદી ખૂબ છે. ત્યારબાદ રાજકોટ બીજા ક્રમે રહ્યું હતું જ્યાં ત્રણ મહિનામાં દુષ્કર્મની ૧૧ ઘટના નોંધાઈ હતી. જ્યારે સંસ્કારનગરીનું બિરુદ ધરાવતા વડોદરામાં ૯૦ દિવસની અંદર દુષ્કર્મની ૯ ઘટના નોંધાઈ છે. સૌથી વધુ આંખ ઉઘાડનારી બાબત એ સામે આવી છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં આદિવાસીની વધુ વસતિ ધરાવતા દાહોદ અને પંચમહાલ જેવા પછાત જિલ્લામાં દુષ્કર્મની ૨-૨ ઘટના નોંધાઈ છે. જ્યારે અરવલ્લીમાં પણ દુષ્કર્મની એક જ ઘટના નોંધાઈ છે. ડાંગ જિલ્લામાં તો ત્રણ મહિનામાં દુષ્કર્મની એક પણ ઘટના નોંધાઈ નથી. તેલંગણામાં વેટરનરી તબીબ યુવતીને પીંખીને તેને સળગાવી દેનારા નરાધમો દારુના નશામાં ચૂર હતા. બીજીતરફ રાજકોટમાં ફક્ત આઠ વર્ષની છોકરીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરનાર પણ દારુના નશામાં હતો અને તેની પાસે કોલગર્લ પાસે જવાના પૈસા નહોતા એટલે પોતાની હવસ સંતોષવા તેણે આ કૃત્ય કર્યું હતું. બે દિવસ પહેલાં અમદાવાદ અને રાજકોટમાં લોકોએ જનતારેડ કરીને હજારો લિટર દેશી દારુ પકડાવ્યો હતો. જ્યારે સુરતમાં ત્રણ મહિલાઓ ૫૦૦થી વધુ દારૂની બોટલ સાથે ઝડપાઈ હતી. આમ, ગુજરાતમાં દારુની બદી વ્યાપક પ્રમાણમાં છે અને તેના કારણે દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.