(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
પ્રખ્યાત રેપર સિંગર રફતારે એક લાઈવ શો દરમિયાન નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)નો વિરોધ કર્યો છે. તેમણે લાઈવ શો દરમિયાન કહ્યું છે કે, તે છાતી પર ગોળી ખાશે, પરંતુ કોઈને પણ ભારતમાંથી બહાર નહીં જવા દે. તેઓ કહે છે કે, હિંદુ, શીખ, ઈસાઈ અને મુસ્લિમ સૌ એક સમાન છે. આ નિવેદન સાથે જોડાયેલો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં શોમાં પોતાનું પર્ફોમન્સ શરૂ થતાં પહેલાં સ્ટેજ પર ઊભેલા પોતાના એક સાથીને ઓડિયન્સની સામે લાવીને તે કહે છે કે, “આ વ્યક્તિનું નામ છે અરશદ, આ મારૂં એવું ધ્યાન રાખે છે કે, કોઈ મને ધક્કો પણ ન મારી શકે. જો કોઈ તેને દેશમાંથી હાંકી કાઢવાની વાત કરશે તો હું છાતી પર ગોળી ખાઈશ… ભલે હિંદુ હોય, શીખ હોય, ઈસાઈ હોય કે પછી મુસ્લિમ હોય. એ બધા જ આપણા ભાઈ છે. કોઈને પણ બહાર નહીં જવા દઉં અને આના પછી મારી કારકિર્દીનું જે પણ ચિત્ર હશે, તેને તમે નજરે જોઈ લેજો. કારણ કે, મને કોઈ ચિંતા નથી.” આટલું કહ્યા બાદ તે પોતાનું પર્ફોમન્સ શરૂ કરી દે છે.
છાતી પર ગોળી ખાઈશ, પણ કોઈને ભારતની બહાર નહીં જવા દઉં : રેપર સિંગર રફતાર

Recent Comments