(એજન્સી) કોલકાતા, તા.૧૪
ઘણા સમયથી રસગુલ્લા અંગે ઓડિસા અને બંગાળ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. મંગળવારે આપેલા ફેસલામાં રસગુલ્લાની કાયદેસર ઓળખ પશ્ચિમબંગાળના નામે થઈ ગઈ. બંગાળને હવે સત્તાવાર ઓળખ મળી ગઈ છે અને ભૌગોલિક ઓળખ (જીઆઈ) ટેગ મળી ગયું છે. આ અંગે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્‌વીટ કરી ખુશી વ્યકત કરી હતી. અમે ઘણી ખુશી અને ગર્વ મહેસૂસ કરી રહ્યા છીએ કે બંગાળને રસગુલ્લાની ભૌગોલિક ઓળખ મળી ગઈ છે. રસગુલ્લા બંગાળની જાણીતી મીઠાઈ છે તેની પેદાશ અંગે બંગાળ-ઓડિસા વચ્ચે જંગ જામ્યો હતો. જેની સુનાવણી બે વર્ષથી ચાલતી હતી. ત્યારબાદ આજે ચુકાદો આપ્યો હતો. બંગાળે દાવો કર્યો હતો કે રસગુલ્લાની શરૂઆત તેમના રાજ્યથી થઈ ૧૮૬૮માં મશહુર મીઠાઈ નિર્માતા નવીનચંદ્ર દાસે તેને બનાવી હતી. પરંતુ આ વાત બધાની નજરમાં આવી ત્યારે ઓડિસા દ્વારા તેના માટે ટેગ માંગવામાં આવી. ર૦૧પમાં ઓડિસાના મંત્રી પ્રદીપકુમારે કહ્યું હતું કે, રસગુલ્લા ઓડિસાના છે. ૬૦૦ વર્ષથી રસગુલ્લા ઓડિસામાં છે. ભગવાન જગન્નાથના પ્રસાદ સાથે પણ તે જોડાયું. ૩૦૦ વર્ષથી રથયાત્રામાં તેનો ઉપયોગ થાય છે. સાંસ્કૃતિક ઈતિહાસકાર અસિત મોહંતિએ કહ્યું કે રથયાત્રા સમાપન બાદ માતા લક્ષ્મીને રસગુલ્લાનો ભોગ ચડાવાય છે. જે પરંપરા ૩૦૦ વર્ષ પુરાણી છે. બંગાળ માને છે કે રસગુલ્લા ૧પ૦ વર્ષ પુરાના છે. ચેન્નાઈ સ્થિત જીઓગ્રાફીકલ ઈન્ડિકેશન (જીઆઈ)એ રસગુલ્લાને બંગાળની મીઠાઈ જાહેર કરી હતી. રસગુલ્લા રજિસ્ટ્રેશનની લડાઈ ર૦૧પથી બંગાળ ઓડિસા વચ્ચે ચાલતી હતી. બંગાળના ખાદ્યમંત્રી અબ્દુલ રઝાકે ખુશી વ્યક્ત કરી હતી. અગાઉ પફરાઈસ અને પામ જગરી માટે લડત જીત્યા હતા.