કાબુલ,તા.૨૫
અફઘાનિસ્તાનના કપ્તાન રાશિદ ખાને કહ્યું કે, તેની ટીમને ત્યારે જ અનુભવ મળશે જયારે તેઓ ટોચના દેશો સામે વધુને વધુ મેચો રમશે. અફઘાનિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશને ટેસ્ટમાં ૨૨૪ રને હરાવ્યું હતું. મંગળવારે ટી-૨૦ ટ્રાઈ સીરિઝની સમાપ્તિ પછી મીડિયા સાથે વાત કરતા રાશિદ ખાને કહ્યુંઃ વર્લ્ડ કપમાં અમારું પ્રદર્શન આશ્ચર્યજનક હતું. અમે લય મેળવ્યા પછી અંતિમ પાંચ-દસ ઓવરોમાં મેચ ગુમાવી હતી. મેચ ફિનિશ કઈ રીતે કરવી તે અનુભવથી ખબર પડે છે. અમે આ ક્ષેત્રમાં નવા છીએ. તેથી અમે જેટલું વધુ રમીશું તેટલું અમારું ક્રિકેટનું સ્તર સુધરશે.તેણે વધુ ઉમેરતા કહ્યું કે, “અમે છેલ્લાં પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે માત્ર બે વાર રમ્યા છીએ. અમારે સારી ટીમ બનવા માટે ટોચની ટીમો સામે વધુ રમવું જોઈએ. ચાર વર્ષમાં એક મેચ નહીં. ટોચની ટીમોમાં ચાર ઝડપી બોલરો હોય છે જે સતત ૧૪૦થી વધુની ઝડપે બોલિંગ કરે છે. અમે મોટાભાગે સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ સામે રમીએ છીએ, અને તેમની પાસે ભાગ્યે જ ૧૪૦થી વધુની ઝડપે બોલિંગ કરી શકે તેવો બોલર હોય છે.”