આઈપીએલની સેમિફાઈનલમાં હૈદરાબાદ સનરાઈઝર્સને તેના શાનદાર દેખાવ વડે કોલકાતા નાઈટ રાઈડર સામે જીત અપાવનાર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશીદખાન ભારતમાં રાતોરાત લોકપ્રિય બની ગયો હતો. સેમિફાઈનલમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર આ ૧૯ વર્ષીય ક્રિકેટરની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ હતી કે, લોકો રાશીદખાન માટે ભારતીય નાગરિકત્વની માગણી કરવા લાગ્યા. શનિવારની સવારે થોડા જ કલાકોમાં તેના દેખાવ વિશે ૩૨,૦૦૦થી પણ વધારે ટિ્‌વટ કરવામાં આવી હતી. રાશીદખાનને ભારતીય નાગરિકત્વ આપવાની માગણીને ધ્યાનમાં લઈ વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટિ્‌વટ કર્યું હતું કે, રાશીદખાને ૧૯ મે બધા ટ્‌વીટ્‌સ જોયા. નાગરિકત્વની બાબતો ગૃહમંત્રાલયને આધીન છે. આ સમગ્ર બાબત વિશે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાનીએ ટિ્‌વટ કર્યું હતું. અમારા હીરો રાશીદખાન પર અફઘાનોને ગર્વ છે. હું અમારા ભારતીય મિત્રોનો આભારી છું કે, તેમણે અમારા ખેલાડીને તેના કૌશલ્યના પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું. રાશીદ અમને અફઘાન શ્રેષ્ઠતાની યાદ અપાવે છે તે ક્રિકેટ વિશ્વની સંપતિ છે અને અમે તેને આપવાના નથી.