નવી દિલ્હી,તા. ૧૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુત્રવધુ દીપાને ભાજપે નગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેઓ કાનપુરની ઝિંઝક નગરપાલિકાના અધ્યક્ષની ચૂંટણી માટે ભાજપની ટિકિટ માગી રહ્યા હતા. ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. દીપા રામનાથ કોવિંદના ભત્રીજા પંકજ કોવિંદના પત્ની છે. પંકજ કોવિંદે જણાવ્યું હતું કે, તેમના પત્ની છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાની ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક લોકો અને તેમના મિત્રો તથા સગાસંબંધીઓની ઇચ્છા હતી કે, દીપા ચૂંટણી લડે પરંતુ દીપાને ભાજપે ટિકિટ આપી નહોતી. એવું માનવામાં આવે છે કે, ભાજપમાંથી ટિકિટ ન મળ્યા બાદ દીપાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂટણી લડવાનો નિર્ણય લીધો હતો. દીપાના કેટલાક સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે, તેમણે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપી નથી. ઉત્તરપ્રદેશમાં ત્રણ તબક્કામાં ૨૨ નવેમ્બર, ૨૬ નવેમ્બર અને ૨૯ નવેમ્બરે નગરપાલિકાની ચૂંટણીયોજાશે. આ ચૂંટણીમાં નગર નિગમ, નગર પાલિકા પરિષદ અને નગર પંચાયત અધિકારી ચૂંટાશે. ઉત્તર પ્રદેશમાં માર્ચ ૨૦૧૭માં યોગી આદિત્યનાથ સરકાર બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે.