(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમકોર્ટે સોમવારે પોતાના ડિસેમ્બર ર૦૧૬ના આદેશને સુધારવા ઈન્કાર કર્યો છે. આ આદેશમાં સિનેમાહોલમાં રાષ્ટ્રીય ગાન વગાડવું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, એ રાષ્ટ્રીય ધ્વજ કોડમાં સુધારો કરવા વિચારણા કરી શકે છે. સુપ્રીમકોર્ટે આગામી સુનાવણી ૯મી જાન્યુઆરીએ રાખી છે. ૧લી ડિસેમ્બર ર૦૧૬માં સુપ્રીમકોર્ટે આદેશ કર્યો હતો કે દેશભક્તિ જાળવવા અને રાષ્ટ્રીયતા દર્શાવવા સિનેમાહોલમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રીય ગાન વગાડવું ફરજિયાત છે અને બધા હાજર રહેલ પ્રેક્ષકોએ એ દરમિયાન ઊભા રહી રાષ્ટ્રીય ગાન પ્રત્યે આદર વ્યક્ત કરવો અનિવાર્ય છે. જે એમની પવિત્ર ફરજનો એક ભાગ છે. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેંચે સંકેતો આપ્યા હતા કે સુપ્રીમકોર્ટ એના પહેલાંના ચુકાદાને સુધારી શકે છે અને ફરજિયાતને બદલે મરજીયાત કરી શકે છે. સરકારે આ બાબત અમારા આદેશને ધ્યાનમાં લીધા વિના આ બાબત વિચારી શકે છે. કેન્દ્રવતી રજૂઆત કરતા એટર્ની જનરલે કહ્યું કે, ભારત વિવિધતાઓથી ભરેલ છે અને રાષ્ટ્રીય ગાનને વગાડવું જોઈએ જેથી એકતારૂપ જાળવી શકાય. ગયા વર્ષે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાનનો આદર કરે છે ત્યારે દેશ માટે પ્રેમ અને આદર જણાઈ આવે છે. જો કે, એના માટે કોઈ સજાની જોગવાઈ નથી કરાઈ. કોર્ટે રાષ્ટ્રીય ગાનને કોઈ વસ્તુ ઉપર છાપવા માટે પણ પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે ગમે ત્યાં છપાવાથી રાષ્ટ્રગાન પ્રત્યે અનાદર થાય એવું આભાસ થાય છે. શ્યામ નારાયણ ચોકસીએ દાખલ કરેલ જાહેરહિત અરજીના અનુસંધાને સુપ્રીમકોર્ટે આદેશો આપ્યા હતા.