(એજન્સી) નવી દિલ્હી, તા.ર
રાષ્ટ્રપતિ રામનાથસિંહ કોવિંદ રમઝાન ઉલ મુબારકના પવિત્ર મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતેની મસ્જિદમાં ખત્મે કુર્આન શરીફની દુઆમાં સામેલ થયા હતા અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે પોતાનું વકતવ્ય પણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનની મસ્જિદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રમઝાન માસની વિશેષ નમાઝ તરાવીહમાં પવિત્ર કુર્આન શરીફ પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ સમગ્ર દુનિયાના કલ્યાણ માટે અલ્લાહ તઆલા પાસે દુઆ ગુજારવામાં આવે છે. આ દુઆમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનની મસ્જિદમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનની મસ્જિદનો જૂનો રીવાજ છે કે પવિત્ર રમઝાન માસમાં ખત્મે કુર્આન શરીફના પ્રસંગે રાષ્ટ્રપતિ અચૂક ઉપસ્થિત રહે છે. રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં બનેલ આ મસ્જિદમાં રાષ્ટ્રપતિ નમાઝ પઢવા આવતા રહ્યા છે. જેમાં ડો.જાકીર હુસેન, ફખરૂદ્દીન અલી અહમદ, ડો.એ.પી.જે અબ્દુલ કલામ વગેરેના નામ સામેલ છે. રાષ્ટ્રપતિ ભવન પરિસરની મસ્જિદમાં પહોંચીને રાષ્ટ્રપતિ કોવિંદે સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.