જામનગર, તા.ર૩
જામનગરના શહેરીજનોને નડતા પ્રશ્નોને વાચા આપવા વિરોધ પક્ષ દ્વારા આપવામાં આવતા કાર્યક્રમમાં પોલીસનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવી છે.
જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર વકીલ આનંદ ગોહિલએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા રોડ, રસ્તા, લાઈટ, પાણી, ટેક્ષ, પશુઓના મૃત્યુ અને શાસકોની નિષ્ફળતા અંગે વિરોધ પક્ષ દ્વારા લોકશાહી ઢબે પ્રજાની માલ-મિલકતને નુક્સાન ન થાય તે રીતે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમ લોકશાહી ઢબે કાર્યક્રમ આપતા હોય છે.
શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના શક્તિસિંહ ગોહિલ અનેક દિગ્ગજ નેતાઓના પૂતળાઓ જાહેરમાં બાળવામાં આવ્યા હતાં. જ્યારે પોલીસ મૂક પ્રેક્ષકની જેમ ઊભી હોય, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.
પરંતુ તા. રર.૧૦.ર૦૧૮ના મેયર જવાબદારીમાંથી નિષ્ફળ ગયા છે. લોકોના પ્રશ્નો ઉકેલતા નથી આમ શહેર કોંગ્રેસ પ્રમુખએ જાહેરમાં મૂંડન કરવાનો કાર્યક્રમ આપ્યો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે લાકડીઓથી હુમલો કરી પોલીસે પોતાનું વરવું પ્રદર્શન કર્યું હતું. વાળ કાપવા આવનારા વાણંદને પણ પોલીસે લાકડીઓ ફટકારી ફ્રેક્ચર કરી દીધું હતું. આમ પોલીસ સરકારના ઈશારે કામ કરે છે. મૂંડન કરાવવું એ કોઈ ગુનો નથી.પ્રજાના રક્ષકો જ ભક્ષક જેવું કૃત્ય કર્યું છે. દેશમાં વિરોધ કરવાનો બધાને અધિકાર છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.