(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે ગાંધીનગરમાં પ્રથમવાર વિધાનસભાને બદલે સ્વર્ણિમ સંકુલ-રમાં મતદાન યોજાયું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા તથા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. એક ખાસ પ્રકારની માર્કર પેનથી અત્યંત સિક્રેટ રીતે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન બાદ સાંજે મતપેટીઓ દિલ્હી મોકલવામાં આવશે.
આજે દેશના ૧૪માં રાષ્ટ્રપતિની પસંદગી માટે ગુજરાત સહિત દેશભરમાં મતદાન શરૂ થયું છે. ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે સવારે પોતાના ઉમેદવારને મત આપવા ગાંધીનગર પહોંચ્યા હતા. સવારે ૧૦ કલાકે સ્વર્ણિમ સંકુલમાં મતદાન શરૂ થયું હતું. કોઈપણ રાજકીય પક્ષ તેમના સાંસદ અને ધારાસભ્યોને મતદાન માટે વ્હિપ આપી નહીં શકે તેવું સ્પષ્ટ ચૂંટણી આયોગના નિર્દેશોને પગલે બંને પક્ષો તરફથી કોઈ વ્હિપ જારી કરાયા ન હતા. રાજ્યમાં પહેલીવાર ૧૮ર ધારાસભ્ય મતદાન કરી રહ્યાં છે. રાજ્યના ર૬ સાંસદ અને રાજ્યસભાના ૧૧ સભ્યોએ ગુજરાતમાં નહીં પરંતુ દિલ્હીમાં મતદાન કર્યુ હતું.
બિહારના હાલના રાજ્યપાલ રામનાથ કોવિંદને ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસમાથી મીરાંકુમાર સ્પર્ધામાં છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય ૭૦૮ છે. જ્યારે ગુજરાતના એક ધારાસભ્યનું મૂલ્ય ૧૪૭ છે. જે ૧૯૭૧ની વસ્તી ગણતરી એટલે કે ૪૬ વર્ષ પહેલાથી ચાલી આવતું આ મૂલ્ય છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત વિધાનસભાને બદલે સ્વર્ણિમ સંકુલ-રમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થયું હતું. કેમ કે વિધાનસભાનું રિનોવેશન ચાલતું હોવાથી મતદાન મથક ત્યાં બની શકે તેમ નથી. આ ચૂંટણીમાં ધારાસભ્યો માટે ગુલાબી રંગનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે સાંસદો અને રાજ્યસભાના સભ્યો માટે ગ્રે કલરનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. તા.ર૦મીએ દિલ્હીમાં મતગણતરી થયા બાદ પરિણામ જાહેર કરાશે.