(એજન્સી) ભોપાલ, તા.ર૦
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પર તીખા પ્રહારો કરી તેમને રાષ્ટ્રવિરોધી બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, મને તેમની બુદ્ધિમતા પર દયા આવે છે કે, તેઓ સતત ભ્રમિત નિવેદનો કરી રહ્યા છે. હિન્દુ ટેરેરિઝમની તેઓ વાત કરે છે જે સંસ્કૃત અને રાષ્ટ્રનું અપમાન છે. તેઓ હતાશ વ્યક્તિ છે અને તેઓ સતત આપણી સંસ્કૃતિના મૂળિયા પર હુમલો કરે છે. સતનામાં શિવરાજસિંહે કહ્યું કે તેઓ એવા પ્રકારના વ્યક્તિ છે જેમણે પોલીસ દ્વારા ઠાર કરાયેલ ત્રાસવાદીઓના ઘરની મુલાકાત લઈ તેનો મહિમા ગાયો હતો. દિગ્વિજયસિંહ ત્રાસવાદીઓ માટે માનવીય શબ્દ જી વાપરે છે. શું આ વર્તણૂક રાષ્ટ્રવિરોધી કક્ષામાં આવતી નથી ? શું આ દેશના જવાનોનું અપમાન નથી તેમણે માતૃભૂમિ માટે કુરબાની આપી ? સતનામાં શિવરાજસિંહની જનઆશીર્વાદ યાત્રા પહોંચી હતી જ્યાં તેમણે દિગ્વિજયસિંહ પર પ્રહારો કરતાં કહ્યું કે, તેઓ પબ્લિસિટી માટે આવા નિવેદનો કરે છે. તેઓ દેશ અને સંસ્કૃતિને ચાહતા નથી. ઓસામા-બિન-લાદેનને દિગ્વિજયસિંહે ઓસામાજી કહ્યો હતો. દિગ્વિજયસિંહને હાલમાં કોંગ્રેસ કારોબારીમાંથી પડતા મૂકયા હતા પરંતુ તેમણે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.