(એજન્સી) તહેરાન, તા.પ
ચાર નવેમ્બરે હજારો ઈરાનીઓએ તહેરાનમાં વર્ષ ૧૯૭૯માં અમેરિકી દૂતાવાસ પર કબજાની વર્ષગાંઠના પ્રસંગે રેલી યોજી. આ રેલી એવા સમયમાં કાઢવામાં આવી છે કે, જ્યારે અમેરિકાએ પાંચ નવેમ્બરે, સોમવારથી ઈરાનની વિરૂદ્ધ અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો લાગુ કરી દીધા છે. રાજધાનીમાં રવિવારની રેલી દરમિયાન ટોળાઓ ‘અમેરિકા હાય હાય’ અને ‘ઈઝરાયેલ મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર, અન્ય શહેરો અને કસ્બાઓમાં પણ આ જ પ્રકારની રેલીઓ યોજવામાં આવી હતી. શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને ઈરાનના જહાજ નાણાકીય અને ઊર્જા ક્ષેત્રો પર પ્રતિબંધો લાદવાની ઘોષણા કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મે ર૦૧પના પરમાણુ કરારમાંથી અમેરિકાને બહાર કાઢવાના નિર્ણય બાદ પ્રતિબંધોનો ત્રીજો તબક્કો સોમવારથી લાગુ પડ્યો છે. ૪ નવેમ્બર, ૧૯૭૯ના રોજ ઈરાની વિદ્યાર્થીઓનો સમૂહ ઈસ્લામિક ક્રાંતિ બાદ દૂતાવાસમાં ઘસી આવ્યા હતા અને ત્યાં તેમના પર અમેરિકીઓને ૪૪૪ દિવસો સુધી બંધક બનાવી રાખ્યા હતા. ક્રાંતિકારી વિદ્યાર્થીઓ દ્વારા એક મિશન યોજવામાં આવ્યું હતું. જેમાં મેળવેલા દસ્તાવેજોમાં વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, વોશિંગ્ટન દ્વારા આ પરિસરનો ઉપયોગ ઈરાનની વિરૂદ્ધ કાવતરાઓ ઘડવા માટે થઈ રહ્યો છે. ઈસ્લામિક ગણરાજ્યનો સ્વર્ગીય સ્થાપક ઈમામ ખોમેઈની ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદ આ કબજાની ‘બીજી ક્રાંતિ’ તરીકે પ્રશંસા કરી હતી. શનિવારે ઈસ્લામિક ક્રાંતિના નેતા આયાતોલ્લાહ સૈયદ અલી ખામેનાઈએ કહ્યું હતું કે, શાહના શાસન હેઠળ અમેરિકાએ ઈરાન પર કબજો મેળવવા માટે ભૂતકાળમાં ૪૦ વર્ષો સુધી પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેના તે પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તહેરાનમાં એક વિદ્યાર્થી સમૂહનું સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ હકીકત છે કે, પાછલા ૪૦ વર્ષોથી અમેરિકા તેના કબજા કરવાના પ્રયાસોમાં હારતું આવ્યું છે અને ઈસ્લામિક ગણતંત્રનો વિજય થયો છે. ઈરાનના ર૦૧પના પરમાણુ કરારમાંથી છેડો ફાડવાના અમેરિકાના નિર્ણય બાદ અમેરિકી વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે પુનઃ આ તમામ પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ આ વર્ષે ઈરાનીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી રેલીઓનું આયોજન કરી અમેરિકાનો વિરોધ કરવામાં આવ્યો.