(એજન્સી)
નવી દિલ્હી, તા.૬
રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ સંબોધી સ્પષ્ટતા કરી હતી કે, જો સરકાર અમારી માગણી પૂરી નહીં કરે તો આ આંદોલનને વધુ જલ્દ બનાવવામાં આવશે. અલબત્ત અમે અમારી માગણીઓ પૂરી થવા અંગે દસ તારીખ સુધીનો ઈન્તેજાર કરીશું.
ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ સ્પષ્ટતા કરી હતી કે અમે ૯ જૂનના રોજ ભૂખ હડતાળ કરીશું. દસ જૂન સુધી માગણીઓ નહીં સંતોષાય તો દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરીશું. ભાજપની શબયાત્રા પણ કાઢીશું. મંદૌસરની ઘટના અંગે છ જૂનના રોજ રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘ દ્વારા દેશભરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાશે. સાત જૂને મહાસંઘ સરકારી હોસ્પિટલમાં મફતમાં દૂધ વહેંચશે. આઠ જૂને મંદૌસરમાં યોજાનાર શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં યશવંત સિન્હા, શત્રુઘ્નસિંહા અને પ્રવીણ તોગડિયા સામેલ થશે. શિવકુમારે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં ત્યાં ધરતીપુત્રોની હાલત ખૂબ કફોડી છે. ખેડૂતોના આપઘાતના પ્રમાણમાં વધારો થયો છે. હંમેશા એવા આક્ષેપ થાય છે કે ખેડૂત આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે ક્યારેય એવું નથી કહેવાતું કે ભાજપના ઈશારે આ આંદોલન થઈ રહ્યા છે. આ પ્રકારના આરોપો દ્વારા આંદોલનને કચડી નાખવાના પ્રયાસો થાય છે. જો કે હવે આવા તત્ત્વોના ઈરાદા સફળ નહીં થાય અમારૂં આંદોલન ત્રણ માંગો સાથે શરૂ થયું છે, પાકની પડતર પર પ૦ ટકા નફો, ખેડૂતોના દેવા માફી, અને ખેડૂતોની સુનિશ્ચિત આવક નક્કી કરાય. અમારો હેતુ સામાન્ય લોકોને પરેશાન કરવાનો નથી પણ ખેડૂતોની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા માંગીએ છે.
ખેડૂત આંદોલનને મીડિયા પબ્લિસિટી સ્ટંટ કહેનારા કૃષિ મંત્રીએ ખેડૂતોની માફી માગવી જોઈએ એમ શિવકુમારે જણાવ્યું હતું.