સુરેન્દ્રનગર,તા.ર૭
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્શ સાહિત્યકાર લોકસાહિત્યના સંશોધક સ્વાતંત્ર્ય સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧ર૧મી જન્મજયંતી ર૮ ઓગસ્ટ ર૦૧૭ના રોજ છે. ત્યારે આ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા જન્મભૂમિ ચોટીલા ખાતે સ્વરાજલિ અર્પણ થશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું લાઈન બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે મેઘાણી વદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્ય આયોજન જન્મજયંતી-ર૮ ઓગસ્ટને સોમવાર-રાત્રે ૯.૦૦ કલાકે ચોટીલા (જૂના માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે નં.૮) ખાતે કરાયું છે. નવી પેઢી આપણા સાહિત્ય સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેષ પંડયા ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ગીતો-લોકગીતો ભજનોની રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર, હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટયે ઝુલે છે તલવાર ઓતરાદા વાયરા ઉઠો ઉઠો આષાઢી સાંજના અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. યાદો ઉગ્યો ચોકમાં જોડે રહેજો. રાજ દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારૂં દાતરડું, આભમાં ઝીણી ઝબુકે વીજળી આવી રૂડી અજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયા હથિયાર જેવા લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ રઢિયાળી રાતમાંથી રજુ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ સોરઠી સતવાણીમાંથી ગંગા સતી, જેસલ, તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.
ચોટીલા સાથે સંભારણા
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ ર૮ ઓગસ્ટ ૧૯૯૬ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વેળાના ગામને છેવાડે આવેલા અને અધોવાસ લેખાતા પોલીસ બેડાના કવાર્ટરમાં થયેલો બ્રિટીશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેધાણી નીડર અને નેક પુરૂષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમાં પોલીસ-પરિવાર અને પોલીસ બેડા સાથે ઝવેરચંદ મેઘાણીના બાળપણના અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે. આ પોલીસ બેડાની દુનિયા અનોખી છે. તમે એમા ભ્રમણ કરી શકશો નહીં. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલુ છે આ મકાનમાં ર ખંડ અને પાછળ નાનું ફળિયું છે.