ભરૂચ,તા.૭
તાજેતરમાં તા.ર૪ એપ્રિલના રોજ ભારતના ઐતિહાસિક સ્મારકોને દત્તક લેવાની યોજના “એડોપ્ટઅ હેરીટેજ” હેઠળ દિલ્હીના ઐતિહાસિક લાલકિલ્લાને પાંચ વર્ષ માટે દાલમિયા ગ્રુપને રૂપિયા રપ કરોડમાં પાંચ વર્ષ માટે દત્તક આપવાનો જે નિર્ણય કરેલ છે. તે અત્યંત દુઃખદ અને ગેરવ્યાજબી છે. જમાઅતે ઈસ્લામી હિન્દ ગુજરાતના પ્રમુખ શકીલ અહમદ રાજપુત અહમદાબાદ શાહી જુમ્આ મસ્જિદના ઈમામ શબ્બીર આલમ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરત ગુજરાતના પ્રમુખ મુહમ્મદ શફી મદની તથા ઉપપ્રમુખ ઈકબાલ બેગ મિર્ઝા, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય એડવોકેટ તાહિર હકીમ, જમિઅતુલ ઉલ્માએ હિંદના જનરલ સેક્રેટરી નિસાર અહમદ અન્સારી તથા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફતી રિઝવાન તારાપુરીએ તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને વધુમાં જણાવ્યું છે કે આઝાદીના ૭૦ વર્ષ બાદ કેટલીય સરકારો બદલાઈ પણ કોઈ પણ સરકારે રાષ્ટ્રીય વારસાને આવો દત્તક આપવાનો નિર્ણય લીધો નથી. આ નિર્ણય ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકો માટે શરમજનક છે. ભારત ૧રપ કરોડ લોકોની વસ્તી ધરાવતો મોટો લોકશાહી દેશ છે. જો તે પદતાના ઐતિહાસિક વારસાનું જતન અને નિભાવણી ન કરી શકે અને કોર્પોરેટ ગૃહોને પોતાની જવાબદારી સોંપી દે તો સરકાર પોતાની જવાબદારીમાંથી ખસી જઈ ખાનગીકરણની દિશામાં જઈ રહી છે જે રાષ્ટ્ર માટે શુભસંકેત નથી.
આજે લાલ કિલ્લો આપ્યો છે તો કાલે બીજા ઐતિહાસિક સ્મારકો જેમ કે તાજમહેલ, કુતુબ મિનાર, ઓરિસ્સાના સૂર્યમંદિર, મહારાષ્ટ્રની અજન્ટા ઈલોરાની ગુફાઓ, તેલંગાણાના ચારમિનાર વગેરે દત્તક આપી દેશે.
આ નિર્ણયને ભારતમાં કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. આ ઉપરાંત લાલા કિલ્લો દાલમિયાં ગ્રુપને સોંપવા સામેનો રોષ માત્ર રાજકીય વર્ગ પૂરતો સીમિત નથી. બલ્કે અનેક ઈતિહાસકારો, સંરક્ષકો અને કલાકારોએ પણ આ હિલચાલનો વિરોધ કર્યો છે. કલાકાર વિવેક સુંદરમ, ઈતિહાસકાર મુશીરૂલ હસન અને થિયેટર અભિનેતા એમ.કે.રૈના સહિતના કલાકારો અને ઈતિહાસકારોએ પણ આ પગલાં સામે પોતાનો વિરોધ દર્શાવેલ છે.
વધુમાં મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે કે ભારતીય ઐતિહાસિક સ્મારકોનું તથા વારસાનું ખાનગીકરણ બંધ કરી લાલકિલ્લાના ખાગનીકરણ કરવાના નિર્ણયની ફેરવિચારણા કરવી જોઈએ. આ અંગે ભારતના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને આ બાબતે પત્ર લખી નિર્ણયની ફેરવિચારણા કરી રદ કરવા રજૂઆત કરવામાં આવશે.