(એજન્સી) તા.રર
પાર્ક સરકસ મેદાન ખાતે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ) સામે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને સંબોધિત કરતાં થિયેટર ડાયરેકટ અને અભિનેત્રી રસિકા આગાશેએ કહ્યું હતું કે, તે હિન્દુ છે અને તે આ કારણે શરમ અનુભવી રહી છે કે સમુદાયના લોકોને નાગરિકોના અધિકારોની માગણી કરતી વખતે આ પ્રકારની પીડા ભોગવવી પડે છે. અગાશેએ અભિનેતા જીશાન ઐયુબ સાથે લગ્ન કર્યા છે. તેમણે કહ્યું હતું કે ર૦૦૭માં જ્યારે તેમણે લગ્ન કર્યા ત્યારથી ૧ર વર્ષમાં ભારત બદલાઈ ગયું છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ રસિકાએ કહ્યું હતું કે, હું મોહમ્મદ ઝિશાન ઐયુબની પત્ની છું અને હું હિન્દુ છું. એક કવિતા છે : ‘‘મેં હિન્દુ હું ઔર શર્મિંદા હું’’ હું અહીં કહેવા માંગું છું કે, એક હિન્દુ રાષ્ટ્રમાં, હિન્દુ રાષ્ટ્ર જેને કહેવામાં આવે છે તેમાં મારા જેવા હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે કારણ કે અહીં ફકત એક ધર્મના લોકોને આવી રીતે બેસવું પડે છે. અગાશેએ કહ્યું હતું કે, તમે અહીં એકલા નથી અમે બધા અહીં તમારી સાથે છીએ. તેમણે એક સમાચાર પત્ર સમક્ષ ખુલાસો કર્યો હતો કે મેં હિન્દુ હું ઓર શર્મિંદા હું રાજેશ જોષીની કવિતાથી પ્રથમ લાઈન છે.