(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને એએમસી તંત્ર ખૂબ જ સારી રીતે અનુસરે છે. ડોર ટુ ડોર કચરાની ગાડી તથા સ્વચ્છ શહેર રાખવા તંત્રએ કમરકસી છે. ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં જાહેર રોડની નજીક કચરાના ઢગલા જોઈને એએમસીના એક ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક આ કચરો હટાવીને આ જગ્યાએ વૃક્ષો વાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તે જગ્યાએ તંત્રએ વૃક્ષો વાવીને તેની જાળવણી અને કોઈ કચરો નાખે નહીં તે માટે બે બાઉન્સરો મૂકી દીધા છે. જો કે તેનાથી ૧ કિમી જ દૂર આવેલા પીરાણા ડમ્પિંગ સાઈટને લીધે ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જાહેર રોડ પરથી કચરો હટાવી સ્વચ્છતા પાઠ ભણાવતું એએમસી તંત્ર પીરાણા ડમ્પિંગ સાઈટને અન્યત્ર ખસેડીને ત્યાં રહેતા લોકોને થતા રોગચાળાથી મુક્તિ ક્યારે અપાવશે ??
અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે તંત્ર વાહવાહી મેળવવા કમરકસી રહ્યું છે. પરંતુ પીરાણા ડમ્પિંગ સાઈટના કચરાને લીધે ત્યાં રહેતા ગરીબોના સ્વાસ્થ્ય પ્રત્યે એએમસી તંત્રનું ધ્યાન કેમ જતું નથી ? અમદાવાદના નારોલના કોઝી હોટલથી આરવી ડેનિમ ફેક્ટરી તરફ જવાના રસ્તે ડાબા હાથે તમને જો છત્રી સાથે બે બાઉન્સરો ઉભેલા દેખાય તો નવાઈ પામતા નહીં. કેમ કે આ બાઉન્સરો એએમસીએ લગાવેલા પ્લાન્ટની જાળવણી કરવા માટે ચોવીસ કલાક ખડેપગે રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારી એક દિવસ નારોલથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને કોઝી હોટલથી આરવી ડેનિમ ફેક્ટરી તરફ જવાના રસ્તાની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળ્યા. જેથી અકળાઈ ઊઠેલા એએમસીના ઉચ્ચ અધિકારીએ તાકીદે તંત્રને ત્યાંથી કચરો ઉઠાવીને તે જગ્યાએ વૃક્ષો વાવવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે તંત્રએ તાકીદે ત્યાંથી કચરો હટાવીને ત્યાં વૃક્ષો વાવવા માટે એનજીઓને કામ સોંપ્યું હતું. જેને પગલે એનજીઓએ પ૦૦ મીટરના દાયરામાં રોપા વાવ્યા હતા ત્યારે આ રોપાની જાળવણી કરવા અને ફરીથી ત્યાં કોઈ કચરો નાખે નહીં તે માટે બે બાઉન્સરો ર૪ કલાક બંદોબસ્તમાં રાખી દીધા છે. આ કામગીરી સરાહનીય છે. પરંતુ જે અધિકારીને રોડ નજીક ફેંકેલો કચરો દેખાયો ત્યારે તેનાથી એક કિલોમીટર દૂર આવેલી પીરાણા ડમ્પિંગ સાઈટ કેમ દેખાઈ નહીં ? આ ડમ્પિંગ સાઈટના કચરાની આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો કેમ દેખાયા નહીં ? કચરાને લીધે ત્યાં રહેતા ગરીબોને શ્વાસ, કીડની, હૃદય, ચામડી, ફેફસાં સહિતની ગંભીર બીમારીઓ થઈ રહી છે તે કેમ દેખાયું નહીં ? ત્યારે રસ્તા પર ફેંકેલો કચરો હટાવીને સ્વચ્છતા અભિયાનને સમર્થન આપતું એએમસી તંત્ર પીરાણાના કચરાના પહાડને પણ ત્યાંથી હટાવીને ગરીબોની સુરક્ષા કરે તેવી લોક માંગ ઊઠી છે.
પીરાણા ડમ્પિંગ અન્યત્ર ખસેડી AMC પણ ગરીબોના સ્વાસ્થ્યની સુરક્ષા કરે
પ્રજાની સમસ્યાઓને લઈને સતત દોડતા રહેતા કોર્પોરેટર ઈકબાલ શેખે પણ તંત્રએ જાહેર રસ્તા પરથી કચરાનો ઢગલો હટાવી ત્યાં વૃક્ષો રોપીને જાળવણી માટે બાઉન્સરો મૂકાયા છે તેની મુલાકાત કરી હતી. આ અંગે ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, તંત્રએ જાહેર રોડ પરથી કચરો હટાવ્યો. વૃક્ષો વાવ્યા તે સારી બાબત છે. આવી કામગીરી થવી જ જોઈએ. પરંતુ તેની સાથે સાથે પીરાણા ડમ્પિંગ સાઈટને લીધે નજીકમાં રહેતા ગરીબોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે. આ મામલો હાઈકોર્ટ અને સરકાર અને કોર્પોરેશનમાં ગયો છે તેમજ સામાજિક-રાજકીય આગેવાનો અને સ્થાનિકોએ પણ આ ડમ્પિંગ સાઈટને ખસેડવા માટે તંત્રમાં ઘણીવાર રજૂઆત કરી છતાંય તંત્ર કોઈ નક્કર પગલાં ભરતું નથી ત્યારે મારે ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરીને જેમ એએમસીએ જાહેર રોડ પરથી કચરો હટાવીને વૃક્ષો વાવી દીધા અને તેની સુરક્ષા માટે બાઉન્સરો મૂકી દીધા તેમ પીરાણા ડમ્પિંગ સાઈટને પણ અન્ય સ્થળે ખસેડીને તંત્ર પણ ગરીબોના સ્વાસ્થ્યની સુરક્ષા કરે. તેવી મારી માગ છે એમ ઈકબાલ શેખે જણાવ્યું હતું.
Recent Comments