(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.ર૯
કેરળ પ્રદેશ ભાજપાએ સબરીમાલા મંદિરના રીત-રિવાજો અને પરંપરાની રક્ષા માટે રથયાત્રા કાઢવાની ઘોષણા કરી દીધી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ જણાવ્યું કે, એનડીએના નેતૃત્વમાં આ યાત્રા આઠ નવેમ્બરના રોજ કાસરગોડથી શરૂ થશે અને ૧૩ નવેમ્બરે પથનમથિટ્ટામાં પૂર્ણ કરવામાં આવશે. પી.એસ. શ્રીધરન પિલ્લઈએ જણાવ્યું કે, પાર્ટીએ સબરીમાલા વિષય પર પ્રદર્શનમાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓની ધરપકડનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપા કાર્યકર્તા ૩૦ ઓક્ટોબરના રોજ ડીજીપી કાર્યાલયની સામે એક દિવસનો ઉપવાસ પણ કરશે. ઉલ્લેખનીય છે કે, મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની પરવાનગી આપવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સબરીમાલા મંદિરની જૂની પરંપરા છે કે ૧૦થી પ૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, ન્યાયાલયે પણ જનતાની આસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, અમે શ્રદ્ધાળુઓની સાથે છીએ.
ભાજપ સબરીમાલા મંદિરની પરંપરાઓની રક્ષા માટે રથયાત્રા કાઢશે

Recent Comments